વાહનચાલકોના વાહનોમાં નુક્શાનની સાથે કમરદર્દ અને અકસ્માત નફામાં : રોડ પર પડેલા ખાડાઓનો કાયમી ઉકેલ કરવાને બદલે મોરમ કપચી નાખી સંતોષ માની લેતું તંત્રમોરબી : સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં ડંકો વગાડનાર મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ શહેરીજનોને અસરી પ્રાથમિક સુવિધાઓ તો ઠીક સારા રોડ રસ્તા આપવાંમાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ચોમાસામાં બે સારા વરસાદ પડતા જ શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓની હાલત અત્યંત દયનિય બની છે. ખાસ કરીને શહેરના મુખ્યમાર્ગો પર ઠેર-ઠેર જીવલેણ કટ્ટ પડી ગઈ હોવાથી વાહનચાલકો આ ક્ટ્ટને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે.આશ્ચર્યની વાતતો એ છે કે,કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતી મહાનગર પાલિકા તંત્ર તૂટેલા રસ્તાઓ રીપેર કરવા કાયમી સોલ્યુલ્શન આપવાને બદલે માત્રને માત્ર મોરમ-કપચી નાખી થૂંકના સાંધા કરી પ્રજાજનોને પીડા આપી રહ્યું છે.છેલ્લા દોઢથી બે વર્ષમાં મોરબી શહેર તેમજ શહેરને જોડતા આજુબાજુના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે, બીજીતરફ મોરબી કોર્પોરેશન કરોડોના ખર્ચે વાઈટ ટોપિંગ અને સિમેન્ટ રોડ બનાવ્યાના દાવા કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં આવેલ બે વરસાદમાં જ મોરબી કોર્પોરેશન ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ સ્ટેટની પોલ ઉઘાડી પડી છે.હાલમાં મોરબી શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓની હાલત ખતરનાક બની છે. શહેરના મુખ્ય એવા શનાળા રોડ પર ઠેર-ઠેર રોડની વચ્ચે કડ પડી ગઈ હોવાથી નાના વાહન ચાલકો આવી કડમાં ફસાઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એ જ રીતે સરદાર બાગ પાસેથી રોડમાંથી સળિયા બહાર દેખાવા લાગ્યા છે છતાં મહાનગર પાલિકા તંત્ર આવા જીવલેણ બનેલા રોડની યોગ્ય મરામત કરવાની તસ્દી લેતું નથી. જો કે, શહેરના એક કે બે રસ્તા જ નહીં બલ્કે શહેરભરના નવા અને જુના તમામ રસ્તાની હાલત જોખમી બનતા વાહનચાલકોને અકસ્માતના ભયની સાથે વાહન ડેમેજ થવાની અને કમરના દુખાવા થવાની ફરિયાદો ઉઠી છે.ભડીયાદ, લીલાપર અને મહેન્દ્રપરા મેઈન રોડ બન્યો ડિસ્કો રોડમોરબી શહેરના ભડીયાદ રોડ, લીલાપર રોડ ઉપર એટલી હદે ગાબડાં પડ્યા છે કે, અહીં વાહન ચાલક સ્થિર બનીને વાહન ચલાવી શકતો નથી, ઉબડખાબડ માર્ગને કારણે અહીં ડિસ્કો ડાન્સ કરતા વાહનો જોવા મળી રહ્યા છે.એ જ રીતે મહેન્દ્રપરા મેન રોડ ઉપર પણ આવી જ પરિસ્થિતિ છે. મહેન્દ્રપરા મેન રોડ ઉપર સુપર ટોકીઝથી લઈને પંચાસર રોડ જ્યાં મળે છે ત્યાં સુધીનો માર્ગ અત્યંત ખાડા ખબડા વાળો બની ગયો છે.અયોધ્યાપુરી અને શનાળા રોડ પર જોખમી કડનું સામ્રાજ્યમોરબી શહેરના શનાળા રોડ અને અયોધ્યાપુરી રોડ ઉપર ઠેર ઠેર રસ્તાઓના જોઈન્ટ ખુલી જવાથી મસ મોટી કડ પડી ગઈ છે. આ ઉપરાંત મચ્છુમાતાજીના મંદિર તેમજ માધાપર ચોક સુધીના રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને વાહન હંકારવામાં ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે.મોરબી બાયપાસને પણ લાગ્યું ખાડાનું ગ્રહણમોરબી શહેરના આંતરિક રસ્તાઓ ઉપરાંત માર્ગ અને મકાન વિબાગ હસ્તક રહેલા મોરબી -કંડલા બાયપાસ રોડની હાલત પણ ખુબ જ બિસ્માર છે. અહીં નેશનલ હાઇવેને ટચ થાય છે તે રવિરાજ ચોકડીથી લઈ તેમજ શનાળા અને ટંકારા સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.પરિણામે બાયપાસથી ટંકારા સુધીની મુસાફરી કરવી વાહનચાલકો માટે જોખમી બની છે.મહેન્દ્રનગર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી ખાડારાજમોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે પણ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે અને રામધન આશ્રમથી મહેન્દ્રનગર ચોકડી સુધીના રસ્તાની હાલત ખરાબ થવાની સાથે જ અહીંથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના રોડ પર પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે.મહત્વનું છે કે,તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પાણી ભરાવાની સાથે તૂટેલા રસ્તાઓને કારણે નાગરિકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.કોર્પોરેશન પાસે વેટમીક્ષ કે મોરમ નાખવા સિવાય વિકલ્પ જ નથીમોરબી શહેરના મુખ્ય રસ્તાઓ અને આંતરિક રસ્તાઓ બિસ્માર બની ગયા છે ત્યારે મહાનગર પાલિકાના સત્તાધીશો ખાડા પડી ગયેલા રસ્તાઓમાં ફરી ખાડા ન પડે ને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા ઉપાય કરવાને બદલે માત્ર થૂંકના સાંધાની જેમ જ્યાં-જ્યાં રસ્તાઓ તૂટેલા છે તેવા રસ્તાઓ પર વેટમીક્ષ અને મોરમ પાથરીને જ સંતોષમાની રહ્યું છે.નોંધનીય છે કે, પહેલા વરસાદમાં શહેરમાં ખાડાઓ પડ્યા બાદ કોર્પોરેશને 1.05 કરોડથી વધુનો ખર્ચ તો માત્ર વેટમીક્ષ અને મોરમ પાછળ જ કર્યો હતો.છતાં શહેરીજનોને કરોડના આંધણ બાદ કોઈ જ રાહત મળવાને બદલે ફરી ઉબડ-ખાબડ રસ્તાઓ જ નસીબ થયા છે.