મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના આગેવાનો દ્વારા 20 થી 25 વર્ષથી ફરજ બજાવતા રોજમદારોના હિતમાં ઉઠાવાઈ માંગમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર સહિતના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ અને રોજમદાર તરીકે કામ કરતા સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયા દ્વારા આ અંગેનો પત્ર પાઠવવામાં આવ્યો છે.આ રજૂઆતમાં જણાવાયું છે કે, જ્યારે મોરબી નગરપાલિકા હતી અને હવે મહાનગરપાલિકા બની છે, ત્યારથી સેટઅપ મુજબ કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે. હાલમાં કોર્પોરેશનમાં અનેક કર્મચારીઓ 20 થી 25 વર્ષથી માત્ર રોજમદાર તરીકે જ કામ કરી રહ્યા છે. આટલા લાંબા સમયની સેવા છતાં તેઓને હક હિસ્સો, ફંડ કે ગ્રેચ્યુટી જેવા લાભો મળતા નથી.મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 13 ના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય અને સેહતની રક્ષાનું મહત્વનું કામ આ સફાઈ કામદારો કરી રહ્યા છે. જીવજંતુઓથી મુક્ત રાખીને સર્વજન સુખાય અને સર્વજન હિતાયની ભાવના સાથે કામ કરતા આ સફાઈ કર્મચારીઓને તેમની લાયકાત અને જે તે વિભાગની જરૂરિયાત મુજબ મહેકમમાં સમાવીને કાયમી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.આ મહત્વપૂર્ણ પ્રશ્ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત અને મુલાકાત સમયે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કે. કે. પરમાર સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #SafaiKamdar #Gujarat #MorbiNews #MorbiBJP