સાંસદ પપ્પુ યાદવ, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી અને સાંસદ પદ રદ કરવા માંગ મોરબી અપડેટ : તાજેતરમાં સંસદ પરિસરમાં સંતોનું અપમાન કરતી કથિત ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેના વિરોધમાં આજે 5 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા સનાતન સંત સમાજ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગત 31 જુલાઈ 2026 ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા એક ષડયંત્રના ભાગરૂપે કૃત્ય કરવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે આ પ્રદર્શનમાં રાજકીય રોટલા શેકવા માટે સંતોનો છદ્મવેશ ધારણ કરી, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજની છબીને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરાયો હતો. ઉપરાંત, પ્રદર્શન દરમિયાન પૂજનીય ભગવાનના ચિત્રોને પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અપમાન કરવામાં આવ્યું હોવાથી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે.આ અંગે મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે ભારત દેશની અંદર આપણા હિન્દુ ધર્મ ઉપર યુગોથી અવિરત ઘા કરવામાં આવ્યા છે. સંસદની અંદર સાધુઓના વેશ પહેરીને સંતોની મશ્કરી અને કલંકરૂપ કાર્ય કરવામાં આવે તે સનાતન ધર્મ ક્યારેય સહન કરશે નહીં. આપણી એકતા જ આપણો પરમો ધર્મ છે. જો દિવસ-દિવસે આ પ્રકારે હિન્દુ ધર્મ અને સંતોનું અપમાન થતું રહેશે, તો હિન્દુ ધર્મ માટે વિકટ પરિસ્થિતિ સર્જાશે. તેથી તમામ સનાતનીઓએ એકતાના સૂત્રે બંધાઈને આવા કૃત્યો સામે અવાજ ઉઠાવવો પડશે.આ ઉપરાંત ભાણદેવજી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ અને સાધુ સમાજનું પાર્લામેન્ટ ભવનમાં જે અપમાન થયું છે, તે અત્યંત શરમજનક છે. સાંસદો દ્વારા સાધુઓના કપડાં પહેરીને જે પ્રકારે લાજ લેતા હોય તેવો દેખાવ કરવામાં આવ્યો છે તેની સાધુ સમાજ સખત શબ્દોમાં આલોચના કરે છે. ઇતિહાસમાં હજારો વર્ષોથી હિન્દુ ધર્મના મંદિરો તોડીને અને ધાર્મિક પ્રતીકો પર પ્રહાર કરીને અપમાન કરવામાં આવ્યું છે, અને હવે સંસદ ભવનમાં આ પ્રકારનો દેખાવ થયો છે જેને સંત સમાજ ક્યારેય ચલાવી લેશે નહીં. હિન્દુ ધર્મ અને તેના સ્થાનો પર કોઈપણ પ્રકારનું આક્રમણ ન થવું જોઈએ અને તેનું રક્ષણ થવું અનિવાર્ય છે.સનાતન સંત સમાજની મુખ્ય માંગણીઓ* તાત્કાલિક FIR: સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરી આયોજનબદ્ધ ગુનો કરવા બદલ ઉક્ત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધીને કઠોર કાર્યવાહી કરવામાં આવે.* સંસદ સભ્યપદ રદ કરવું: મહામહિમ રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને સનાતન સંસ્કૃતિનું અનાદર કરનારા આ ચારેય સાંસદોનું સંસદ સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરે.* આર્થિક ક્ષતિપૂર્તિ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના 'શ્રાવણ ઝૂલા મહોત્સવ'માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડી સંતોને માનસિક ત્રાસ આપવા સાથે આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે.સંત સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તંત્ર દ્વારા આ ગંભીર બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સનાતન સંત સમાજ અને સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ ઉગ્ર આંદોલન કરવા માટે બાધ્ય બનશે.#Morbi #MorbiUpdate #SanatanSantSamaj #HinduDharma #Protest #CollectorOfficeMorbi #SanatanDharma #BajrangDal #MorbiNews #GujaratNews