પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં નવા બનેલા રોડના સોલ્ડર તેમજ વૃક્ષની ખો કાઢી નાખ્યાની ફરિયાદમોરબી : મોરબી મહાનગર પાલિકા દ્વારા હાલમાં નેશનલ હાઇવેથી લખધીરપુર રોડ પર પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આડેધડ કામગીરીને કારણે નવા બનેલા રોડના સોલ્ડર તેમજ વર્ષો જુના ઘેઘુર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા ઉદ્યોગકારો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવેથી લખધીરપુર રોડ પર હાલમાં મોરબી કોર્પોરેશનન દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાકટર દ્વારા લાપરવાહી પૂર્વક કામ કરી હાલમાં જ બનેલા નવા રોડના સોલ્ડરને નુકશાન કરવાની સાથે જ વર્ષો જુના વૃક્ષોની પણ ખો કાઢી નાખવામાં આવતા લખધીરપુર રોડ પર આવેલ ઔદ્યોગિક એકમોના ઉદ્યોગકારોમાં તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા રહ્યો છે. નોંધનીય છે કે, એક તરફ મોરબી કોર્પોરેશનના મેયર લાખો વૃક્ષ વાવી ઉછેરવાની વાતો કરી રહ્યા છે તેવા સમયે જ કોર્પોરેશનનું તંત્ર વૃક્ષોની ઘોર ખોદી રહ્યું હોય તંત્રની બેધારી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.