અગાસી ઉપર યોગ્ય લેવલીંગ ન કરતા પાણીનો ભરાવો, કોન્ટ્રાક્ટરને માત્ર સુચના આપીને સંતોષ માની લેવાયોમોરબી : મોરબી મહાનગરપાલિકાની બિલ્ડીંગના કામમાં લોટ પાણીને લાકડા થયા હોય તેમ શરુ થયાના માત્ર અઢી જ મહિનામાં બિલ્ડિંગમાં ક્ષતિઓ જોવા મળી રહી છે. હાલ અહીં અનેક જગ્યાએ છતમાંથી પાણી ઉતરી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ગંભીર મામલે કોન્ટ્રાક્ટરને માત્ર સૂચના આપીને સંતોષ માની લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.મોરબી નગરપાલિકા દ્વારા વર્ષ 2018 માં નવી બિલ્ડીંગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 2 થી 3 વર્ષ સુધી કામગીરી ચાલ્યા બાદ કોઈ કારણોસર આ કામ બંધ પડી ગયું હતું. ત્યારબાદ 3 થી 4 વર્ષ સુધી કામ બંધ રહ્યા પછી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ નવી બિલ્ડીંગ બનાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. આ નવી ડિઝાઇનમાં ઉપર એક માળ વધારવામાં આવ્યો હતો અને કામગીરી પૂર્ણ થતાં નવી બોડી અસ્તિત્વમાં આવતા અઢી મહિના પહેલા જ તેનું લોકાર્પણ કરીને તમામ કચેરીઓ ત્યાં શિફ્ટ કરવામાં આવી હતી.મોરબીમાં પડેલા 10 ઇંચ જેટલા પહેલા જ વરસાદે મહાપાલિકાની નવી બિલ્ડીંગની કામગીરીની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે. છત પર પાણીનો નિકાલ યોગ્ય રીતે ન હોવાથી અને લેવલિંગના અભાવે છત પર પાણી ભરાઈ ગયા છે. જોકે, ત્યાં વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું હોવા છતાં, પાણી નીચેના માળની કચેરીઓમાં ટપકી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે નીચેના માળે પદાધિકારીઓની ચેમ્બરમાં જ પાણી ટપકી રહ્યું છે. એટલું જ નહીં, ખુદ સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બરમાં પણ ઉપરથી પાણીના ટીપાં પડી રહ્યા છે, જે કામગીરીમાં રહેલી ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે.આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિ પડસુંબિયાએ જણાવ્યું કે બિલ્ડીંગમાં હજુ ફ્લોરિંગમાં ટાઇલ્સના ટુકડા લગાવવાનું કામ બાકી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં પાણી ભરાય છે ત્યાં ટાઇલ્સના ટુકડા નાખીને લેવલિંગ કરવામાં આવશે અને આ ખામીઓ દૂર કરાશે. હાલમાં જે તે એજન્સી અને કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવીને જે પણ ખામીઓ છે તે તાત્કાલિક સુધારવા કડક સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને હજુ છેલ્લો હપ્તો ચૂકવવાનો બાકી છે, અને આ વધારાનું કે બાકી રહેલું કામ તેમને એ જ જૂના ટેન્ડરની રકમમાં કરવાનું રહેશે, કોઈ વધારાનો ખર્ચ અપાશે નહીં.ત્રણ અલગ-અલગ તબક્કામાં બિલ્ડીંગનું કામ થયુંમોરબી મહાપાલિકાની આ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કુલ 3 અલગ-અલગ વિભાગમાં અને તબક્કાવાર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં નગરપાલિકા દ્વારા કામ શરૂ કરાયું હતું, ત્યારબાદ લાંબો સમય કામ બંધ રહ્યા પછી નવું એક્સેસ અપાયું હતું. મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટર, ફર્નિચર સહિતનું બાકીનું કામ પૂરું કર્યું અને ત્રીજા માળે કમિશનરની કચેરી બનાવવા માટે નવેસરથી ચેમ્બરો ઊભી કરવામાં આવી હતી. આમ, 3 તબક્કામાં એક્સેસ આપીને ટેન્ડરમાં વધારો કરીને આખી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.