સેવા સદનમાં ભરાયેલા પાણીના નિકાલ માટે પાછળની દીવાલમાં ગાબડું પાડી દેવાતા રોટરી નગરની શેરીમાં ગટરના પાણી ફરી વળ્યા: અસહ્ય દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગમોરબી અપડેટ : મોરબીમાં સરકારી તંત્ર દ્વારા જ બેજવાબદારીભર્યું વર્તન કરવામાં આવતા સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. તાલુકા સેવા સદનની અંદર જે પાણી ભરાયું હતું, તેનો નિકાલ કરવા માટે તેની પાછળ આવેલી રોટરી નગરની શેરીની દીવાલમાં હોલ (ગાબડું) પાડી દેવામાં આવ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.રોટરી નગરના રહીશોની રજૂઆત મુજબ, તંત્ર દ્વારા દીવાલમાં ગાબડું પાડી દેવાતા સેવા સદનનું બધું જ ગંદુ અને ગટરનું પાણી સીધું રોટરી નગરની શેરીમાં આવી રહ્યું છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, કોની મંજૂરીથી આ રીતે જાહેર શેરીમાં ગંદુ પાણી છોડવામાં આવ્યું છે? હાલમાં આ ગટરના પાણીના કારણે શેરીમાં અસહ્ય દુર્ગંધ મારી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય ઊભો થયો છે.લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે સરકારી તંત્ર દ્વારા જ આવું બેજવાબદાર કામ થાય તે બિલકુલ યોગ્ય નથી. રોટરી નગરના ત્રસ્ત રહીશોએ તંત્રને નમ્ર છતાં મક્કમ વિનંતી કરી છે કે આ બાબતે તાત્કાલિક તપાસ કરી દીવાલનો હોલ સત્વરે બંધ કરાવવામાં આવે અને રોટરી નગરમાં ભરાયેલા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે.#Morbi #MorbiUpdate #RotaryNagar #TalukaSevaSadan #PublicIssue #DrainageProblem #LocalNews #GujaratNews