500 સફાઈ કામદારો કામે લગાડ્યા હોવા છતાં માત્ર ઉપરછલ્લી કામગીરી, રોગચાળો ફેલાવવાની દહેશતમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વરસાદ રહી ગયાના 2 દિવસ બાદ પણ ઠેર-ઠેર ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા 500 જેટલા સફાઈ કામદારોને સફાઈ અર્થે ઉતારવામાં આવ્યા હોવાનું કહેવાય છે, પરંતુ સફાઈ કામદારો પણ માત્ર ઉપરછલ્લી કામગીરી કરીને સમય પસાર કરી રહ્યા હોવાનું અને બેસી રહેતા હોવાનું સામે આવ્યું છે. અનેક વિસ્તારોમાં ગંદકી અને કાદવ-કીચડના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ છે. પાલિકાની આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.લાલબાગ સેવા સદન અને કોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળ્યા નટરાજ ફાટક પાસે લાલબાગ સેવા સદનના મુખ્ય માર્ગ પર છેલ્લા 7 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આ રસ્તો તાલુકા સેવા સદન અને કોર્ટમાં જવાનો મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોજેરોજ અધિકારીઓ અને અરજદારો પસાર થાય છે. રસ્તા પર ભયંકર કાદવ-કીચડ હોવાથી વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.લાયન્સ નગરમાં ગોઠણડૂબ પાણી: ચક્કાજામ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે નવલખી રોડ પર આવેલ લાયન્સ નગરમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે અને લોકો કાદવ-કીચડ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ ગંદકીથી કંટાળીને ગઈકાલે ચક્કાજામ કર્યો હતો. અધિકારીઓએ દોડી આવીને આશ્વાસન આપ્યું હતું, પરંતુ બીજા દિવસે પણ પાણી અને કાદવ એવા જ ભરાયેલા છે. લોકો રોગચાળાના ભય વચ્ચે અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે.વીસીપરા મુખ્ય માર્ગ અને નવલખી પોર્ટ ઓફિસ પાસે ગંદકીનું સામ્રાજ્ય મોરબીના વીસીપરા મેઈન રોડ પર મોટા પ્રમાણમાં કાદવ-કીચડ અને ગંદકી જોવા મળી રહી છે. નવલખી પોર્ટની ઓફિસ પાસે પણ પાણીના તલાવડા ભરાયેલા છે. જો મુખ્ય માર્ગ પર જ આટલી હદે ગંદકી અને રોગચાળાની ભીતિ હોય, તો આંતરિક શેરીઓની સ્થિતિ કેટલી બદતર હશે તેનો અંદાજ લગાવી શકાય છે. મુખ્ય શાક માર્કેટ અને લોહાણાપરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંદકી અકબંધ મોરબીની મુખ્ય શાક માર્કેટ અને તેની પાછળ આવેલ લોહાણાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયેલું છે. માર્કેટમાં જ પાણી અને ગંદકી હોવાથી લોકો શાકભાજીની સાથે રોગચાળો પણ ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. તંત્ર દ્વારા અહીં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.મહેન્દ્રપરા વિસ્તારમાં કાદવ-કીચડ: બાળકોના સ્વાસ્થ્ય પર તોળાતો ખતરો અયોધ્યાપુરી મેઈન રોડ પર મચ્છુ માતા ની જગ્યા સામે મહેન્દ્રપરાના ખૂણામાં જ કાદવ-કીચડનો મોટો ભરાવો જોવા મળે છે. આ ગંદકી વચ્ચે નાના બાળકો રમી રહ્યા હોવાથી તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની અને રોગચાળો ફેલાવવાની પૂરી સંભાવના છે. અહીં સફાઈના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.લાતી પ્લોટમાં રોજેરોજ 2-3 વાહનો કાદવમાં ખૂંપે છે, ઉદ્યોગકારો પરેશાન મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોવા છતાં સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. મહાપાલિકા દ્વારા કપચી નાખવામાં આવી પરંતુ લેવલિંગ ન થતાં અને ગટરની લાઈનનું ખોદાણ બાદ યોગ્ય રીતે ન બુરાતા ગારો થયો છે. ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે રોજેરોજ દરેક શેરીમાં 2-3 વાહનો કાદવમાં ફસાઈ રહ્યા છે.