ખેડૂતોની માંગણી મુજબનો પરિપત્ર બહાર નહીં પડે તો સત્તાપક્ષના ઉમેદવારોને ગામમાં પ્રવેશ ન કરવા ખેડૂત એકતાની ચીમકીમોરબી અપડેટ : મોરબી પંથકમાં વીજલાઇન અને વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. જેતપર બાદ અન્ય ગામો પણ ખેડૂતોના આ આંદોલનમાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. ખેડૂતોએ એકજૂથ થઈને સ્પષ્ટ માંગણી કરી છે કે વીજલાઇન મામલે તેમની માંગણી મુજબનો પરિપત્ર જો સરકાર દ્વારા તાત્કાલિક બનાવવામાં નહીં આવે, તો આવનારી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ ઉમેદવારે તેમના ગામમાં મત માંગવા આવવું નહીં.આજરોજ તારીખ 03/08/2026 ના રોજ મોરબી જિલ્લાના 11 જેટલા ગામોમાં એકસાથે આવા બહિષ્કારના બેનરો લાગતા ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી પંથકના કેરાળા, લક્ષ્મીનગર, રવાપર (નદી), ટીંબડી, ભરતનગર, ભક્તિનગર, નવા સાદુળકા, દાદાશ્રી નગર, ધરમપુર, હરિપર અને કુંભારિયા ગામે ખેડૂતોએ સત્તાપક્ષ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે.ગામેગામ લાગેલા આ બેનરોમાં 'જય જવાન, જય કિસાન' અને 'ખેડૂત એકતા' ના નારા સાથે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને 2027 ની ચૂંટણીમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીનો મક્કમ નિર્દેશ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્રોશ જોતા આગામી દિવસોમાં ગુજરાત ખેડૂત સત્યાગ્રહ હજુ વધુ ગામોમાં પ્રસરે અને વ્યાપક બને તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #KhedutSatyagrah #Morbi #GujaratFarmers #Election2027 #KisanEkta #VillageProtest