એંજાર ગામના લોકોએ 15 થી 20 ફૂટ ઊંચો બંધપાળો બનાવતા રણમલપુરમાં ઘરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા: કપાસ અને દાડમના પાકને કરોડોનું નુકસાન, મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાંહળવદ (મોરબી અપડેટ) : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામમાં અતિભારે વરસાદ બાદ એક માનવસર્જિત આફત સર્જાઈ છે. રણમલપુર તથા એંજાર ગામના સીમાડામાં એંજાર ગામના લોકો દ્વારા કુદરતી પાણીનું વહેણ અટકાવવા માટે આશરે 15 થી 20 ફૂટ ઊંચાઈ અને 30 ફૂટ પહોળાઈનો મોટો બંધપાળો બનાવી દેવામાં આવ્યો છે. આ બંધપાળાને કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જતા રણમલપુર ગામમાં 4 થી 5 ફૂટ સુધી પાણી લોકોના ઘરોમાં અને ગામના રસ્તાઓ પર ફરી વળ્યા હતા.હાલમાં વરસાદ બંધ થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં આ અડચણરૂપ બંધપાળાના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેના પરિણામે 2000 જેટલા વીઘા જમીનમાં વાવેતર કરાયેલો પાક સંપૂર્ણપણે ડૂબી ગયો છે. જેમાં ખેડૂતોના કપાસ તથા બહુમૂલ્ય બાગાયતી પાક એવા દાડમમાં ભારે નુકસાન થયું છે. આ કુદરતી અને માનવસર્જિત આફતના કારણે રણમલપુર ગામના ખેડૂતોને દર વર્ષે અંદાજે 3.5 થી 4 કરોડ રૂપિયાની માતબર નુકશાની સહન કરવાનો વારો આવે છે.આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા અગાઉ પણ સ્થાનિક તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ પણ કરાઈ છે અને રાજ્યના મુખ્યમંત્રીને પણ આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઈપણ સરકારી અધિકારીઓ આ બાબતે નક્કર પગલાં ભરતા નથી. આખરે ત્રસ્ત થયેલા રણમલપુરના ગ્રામજનો અને ખેડૂતોએ તંત્રને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો તાત્કાલિક ધોરણે આ બંધપાળાને હટાવી વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં હળવદ મામલતદાર કચેરી અને હળવદ પ્રાંત કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.#Morbi #MorbiUpdate #Halvad #Ranmalpur #Enjar #FarmersIssue #CropDamage #HeavyRain #GujaratMonsoon #FloodSituation #FarmersProtest