800 થી વધુ મકાનો અને 2500 થી વધુની વસ્તી ધરાવતી સોસાયટીમાં રોડ, ગટર અને પીવાના પાણીનો અભાવ: ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો પરેશાન, તંત્ર પાસે ન્યાયની માંગમોરબી અપડેટ : મોરબી નજીક આવેલા ઘુંટુ ગામ પાસેની રામકો સોસાયટીના રહીશો અને ખાસ કરીને મહિલાઓએ આજે પાયાની સુવિધાઓના અભાવે પોતાનો રોષ અને વ્યથા ઠાલવ્યા છે. વર્ષોથી રોડ, ગટર અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.સ્થાનિક રહીશ હીતુભા રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, 2009 થી આ સોસાયટીના લોકો પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. આ સોસાયટીમાં 800 થી વધુ મકાનો આવેલા છે અને 2500 થી વધુ લોકો અહીં વસવાટ કરે છે. અહીં મોટાભાગે મધ્યમ વર્ગના પરિવારો રહે છે, છતાં તંત્રની ઉદાસીનતાને કારણે તેમને પીવાના પાણી માટે ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે. વધુમાં, વરસાદી માહોલમાં આખા ગામનું પાણી આ વિસ્તારમાં જમા થાય છે અને લોકોના ઘરોમાં અંદર સુધી પાણી ઘૂસી જાય છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થાય છે અને રહેવું પણ મુશ્કેલ બની જાય છે.સ્થાનિકોએ જણાવ્યું છે કે, અગાઉ જ્યારે આ સમસ્યાઓ મુદ્દે આંદોલન કરવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા માત્ર એક લાઈન નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હતો અને તમામ કામ થઈ જશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈ અધિકારી કે કર્મચારી તેમની સમસ્યા સાંભળવા કે જોવા આવ્યા નથી. રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણી કોઈ વ્યક્તિ વિશેષ સામે નથી, પરંતુ માત્ર વિકાસ અને ન્યાય માટે છે. સંબંધિત તંત્ર સત્વરે જાગે અને યોગ્ય કાર્યવાહી કરીને રામકો સોસાયટીના રહીશોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Ghuntu #RamcoSociety #PublicIssue #BasicAmenities #LocalNews #GujaratNews