24 કલાકથી વધુ સમય વિતવા છતાં પાણીનો નિકાલ ન થતાં મહિલાઓ અને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, મહાનગરપાલિકા સામે ઉગ્ર રોષમોરબી અપડેટ : મોરબીમાં ભારે વરસાદ બાદ લાયન્સનગર વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થયાના 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને સ્થાનિકો છેલ્લા 6 દિવસથી હેરાનગતિ ભોગવી રહ્યા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં આક્રોશે ભરાયેલા સ્થાનિકોએ સેન્ટ મેરી ફાટક પાસે મોરબી-નવલખી મુખ્ય રોડ પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. રોડ બ્લોક કરીને બેઠેલા આ સ્થાનિકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા છે. આક્રોશિત લોકોએ મહાપાલિકા તંત્ર સામે ભારે વિરોધ નોંધાવતા 'મહાનગરપાલિકા હાય હાય' ના નારા લગાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘરો અને ગલીઓમાં પાણી ભરાઈ જવાથી શૌચાલય, રસોડા અને ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. લોકો શાકભાજી કે રાશન લેવા પણ બહાર નીકળી શકતા નથી. એટલું જ નહીં, ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો ન હોવાથી નાના બાળકો શાળાએ જઈ શકતા નથી. ગંદા પાણી ભરાઈ રહેવાથી ઝેરી સાપ અને જીવજંતુઓ ઘરોમાં ઘૂસી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે, જેનાથી નાના બાળકો અને પરિવારજનોના જીવનું જોખમ વધી ગયું છે.ભરાયેલા પાણીના કારણે 108 કે એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકતી નથી. તાજેતરમાં જ એક બીમાર બાળકને હાથમાં ઊંચકીને પાણીમાંથી માંડ બહાર લાવવું પડ્યું હતું. આ વિસ્તારમાં આવેલા આશરે 200 થી વધુ મકાનો આ સમસ્યાથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આથી, તેઓએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે જેસીબી કે પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવે અને વિસ્તારનું પ્રોપર મેપિંગ અને લેવલિંગ કરીને કાયમી પાણીના નિકાલ માટે ડ્રેનેજ કે લેઆઉટ પ્લાન બનાવવામાં આવે.આ ચક્કાજામના કારણે નવલખી રોડ પરથી મોરબી શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. શરૂઆતમાં સ્થાનિકો રેલવે ફાટક નજીક રસ્તા પર બેઠા હતા, પરંતુ રેલવે પોલીસ દ્વારા તેમને ત્યાંથી ખસેડવામાં આવતા તેઓ ફાટકથી થોડે દૂર મોરબી પ્રવેશદ્વાર રોડ પર ફરીથી ચક્કાજામ કરીને બેસી ગયા છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી અને કાયમી ઉકેલની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે.#MorbiUpdate #MorbiNews #MorbiRain #WaterLogging #LionsNagar #Protest #ChakkaJam #MorbiInfrastructure #GujaratNews #MorbiMunicipalCorporation #BreakingNews