સરપંચે લોકોને સાવચેત રહેવા કરી અપીલ : વનવિભાગ દ્વારા સીમ વિસ્તારમાં શોધખોળ શરૂમોરબી અપડેટ : મોરબી તાલુકાના મોડપર ગામે વહેલી સવારે શિયાળે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મોડપર ગામે સવારના સમયે અચાનક આવી ચડેલા શિયાળે 5 જેટલા લોકોને બચકા ભરી લેતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરાના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે શિયાળે ગામના 5 લોકોને બચકા ભર્યા હતા. આ શિયાળ હડકાયું થયેલું છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 5 લોકોને તાત્કાલિક અસરથી મોરબીની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગની ટીમ તાત્કાલિક મોડપર ગામે દોડી આવી હતી.આ અંગે RFO મકવાણાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમને સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. ગામમાં અને આજુબાજુના સીમ વિસ્તારમાં શોધખોળ કરવા છતાં હજુ સુધી શિયાળ મળી આવ્યું નથી. આ શિયાળ સીમ વિસ્તારમાંથી આવ્યું હોવાની આશંકા વચ્ચે ટીમો દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શિયાળ હજુ સુધી ન પકડાતા ગામલોકો અને સીમ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. વનવિભાગ અને સરપંચ દ્વારા લોકોને એલર્ટ રહીને વહેલી સવારે કે મોડી રાત્રે સાવધાનીપૂર્વક બહાર નીકળવા જણાવાયું છે.#Morbi #MorbiNews #Morpar #MorbiUpdate #ForestDepartment #WildAnimal #GujaratNews #SafetyAlert