ચક્કાજામને કારણે સેન્ટમેરી ફાટક પાસે વાહનોની લાંબી કતારો જામી હતી, ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યોમોરબી અપડેટ : મોરબીના લાયન્સનગરમાં પાણી ભરાવવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયેલા રહેતા લોકોએ રોષે ભરાઈને સેન્ટમેરી ફાટક પાસે ચક્કાજામ કર્યો હતો. આશરે 1.5 કલાકથી વધુ સમય સુધી આ ચક્કાજામ ચાલુ રહેતા રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.ચક્કાજામની જાણ થતાં જ સિટી મામલતદાર, મહાનગરપાલિકાના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો, ટ્રાફિક પોલીસ અને બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અધિકારીઓએ રોષે ભરાયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો મહાનગરપાલિકાની ટીમ અને મામલતદાર સહિતના અન્ય અધિકારીઓને પોતાના વિસ્તારમાં લઈ ગયા હતા અને પોતે કેવી યાતના ભોગવી રહ્યા છે તે રૂબરૂ બતાવ્યું હતું. અધિકારીઓ દ્વારા આ પ્રશ્ન સત્વરે ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ચક્કાજામ ખોલાવીને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી.#MorbiUpdate #MorbiNews #Morbi #ChakkaJam #Waterlogging #MorbiMonsoon #MorbiPolice #PublicProtest #LocalNews