ભારે વરસાદથી આશોઈ નદી પરનો કોઝવે ક્ષતિગ્રસ્ત થતા ST બસ સહિત 1000થી વધુ વાહનોને ચોટીલા બાઉન્ડ્રી તરફ ડાયવર્ટ કરાયામોરબી અપડેટ (કેતન ભટ્ટી-વાંકાનેર) : વાંકાનેર પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે સિંધાવદર પાસે આશોઈ નદી પર આવેલો એકમાત્ર કોઝવે ધોવાઈ ગયો છે. આ નુકસાનીના કારણે વાંકાનેર અને રાજકોટ વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. વાંકાનેર-રાજકોટ વચ્ચેનો આ મુખ્ય માર્ગ હોવાથી મુસાફરો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.કોઝવેના ધોવાણને કારણે ગત રાત્રિથી જ આ માર્ગને વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, એસ.ટી. બસ સહિતના 1000થી વધુ નાના-મોટા વાહનોને ચોટીલા બાઉન્ડ્રી તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ડાયવર્ઝનના કારણે વાંકાનેર અને રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોએ અત્યારે ફરજિયાતપણે લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે.હાલ નદીમાં પાણી ઓસરતા ચાલુ વરસાદ વચ્ચે જ તંત્ર દ્વારા કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, સતત વરસાદી વાતાવરણ વચ્ચે આ કામગીરી કેટલી ટકાઉ સાબિત થશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભવિષ્યમાં વાહનવ્યવહાર અટવાઈ ન પડે તે માટે વરસાદી મોસમ પૂર્ણ થયા બાદ આ કોઝવેનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.#MorbiUpdate #Wankaner #Rajkot #GujaratRain #HeavyRain #Monsoon2026 #TrafficAlert #WankanerNews #CausewayDamage