જળબંબાકારની સ્થિતિ પાછળ ગેરકાયદે બાંધકામ જવાબદાર હોવાનો આક્ષેપ : મહાપાલિકાએ સીલ માર્યું છતાં કામ ચાલુ હોવાનો દાવો : અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી, કાર્યવાહી થશે કે નહિ તે જોવું રહ્યું મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલ ગોકુળનગર-લાઈન્સનગર મેઈન રોડ પર પાવર હાઉસના ગેટ પાસે વર્ષો જૂના રસ્તા પર થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક દૂર કરવા માટે વોર્ડ નંબર 10ના ચારેય કોર્પોરેટરો દ્વારા મેયર અને કમિશ્નરને સંયુક્ત રજૂઆત કરવામાં આવી હતી. આ ગેરકાયદે બાંધકામને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાની પણ રાવ ઉઠી છે. અધિકારીઓએ સ્થળ મુલાકાત તો લીધી છે પણ હવે કાર્યવાહી શુ થાય છે તે જોવું રહ્યું.રજૂઆતમાં જણાવ્યા મુજબ, પાવર હાઉસ ગેટ પાસેના મુખ્ય રસ્તા પર કોઈપણ વિભાગની મંજૂરી લીધા વિના દાદાગીરીથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો અને પાવર હાઉસના અધિકારીઓની રજૂઆત બાદ અગાઉ પાલિકા દ્વારા કામ અટકાવી સીલ મારવામાં આવ્યું હતું અને ડિમોલિશન પણ શરૂ કરાયું હતું. જોકે, અરજદાર દ્વારા માધાપર સર્વે નંબર 910 બિનખેતી મનુપાર્કની માપણી ટિપ્પણ સાથે સુસંગત ન હોવા છતાં હાલ મંજૂરી વગર બાંધકામ ચાલુ રખાયું છે. ગત તારીખ 04/07/2026ના રોજ તંત્રના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી હોવા છતાં ગેરકાયદે બાંધકામ યથાવત છે.ગેરકાયદેસર બાંધકામના કારણે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સીસી રોડ, પીવાના પાણીની લાઈન, ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ રૂંધાઈ ગયા છે. જેના પરિણામે ઉપરવાસનું વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ રહ્યું છે અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ પ્રશ્નની ગંભીરતા ધ્યાને લઈ વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કંજારીયા, સોનલબેન બાવરવા અને અલ્પાબેન કંજારીયા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અત્યાર સુધી કરાયેલી કાર્યવાહીની વિગતો માંગીને તાત્કાલિક કડક પગલાં ભરી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Uma2Society #IllegalConstruction #MorbiMunicipalCorporation #GETCO #Ward10 #RainWaterLogging #MorbiNews #GujaratNews