મચ્છુ અને બનાસ નદીના પાણી આવવાની શક્યતાને પગલે કલેકટર અને વહીવટી તંત્રની કડક સૂચના; મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજાની અપીલમોરબી અપડેટ: હવામાન વિભાગ દ્વારા રવિવાર તેમજ સોમવાર સુધી મોરબી જિલ્લા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાંતલપુર અને વિરમગામમાં ભારે વરસાદને કારણે બનાસ નદી તથા મચ્છુ નદીના પાણી રણ વિસ્તારમાં પહોંચવાની પૂરી શક્યતા છે. આથી માળિયા, હળવદ, ગુલાબડી, જાજાસર, દેવગઢ, બગસરા, ભાવપર, વવાણીયા, વર્ષામેડી, બોડકી અને નવલખી સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મોરબી કલેકટર, માળિયા અને હળવદના ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વરસાદ અને પવનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈએ રણ વિસ્તારમાં જવું નહીં. 10 એકરના નાના એકમોથી લઈને મોટા અને મધ્યમ મીઠાના એકમોમાં કામ કરતા તમામ અગરિયાઓ, શ્રમિકો, સુપરવાઈઝરો, ટ્રક તેમજ હિટાચી ઓપરેટરોએ સોમવાર સુધી અથવા જિલ્લા વહીવટી તંત્રની આગામી સૂચના ન મળે ત્યાં સુધી મીઠાના એકમો પર જવાનું કે ત્યાં રોકાવાનું ટાળવું.મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (મોરબી - માળિયા)ના પ્રમુખ દિલુભા યુ. જાડેજાએ તમામ મીઠા ઉત્પાદકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ગામ અને વિસ્તારમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરે અને આ સૂચનાનો કડક અમલ કરાવે. તદુપરાંત, ગામ કે વિસ્તાર વાઇઝ વરસાદ કે પવનના કારણે કોઈપણ પ્રકારની મુસીબત જણાય તો તુરંત એસોસિએશનના ગ્રુપમાં માહિતી આપવા જણાવાયું છે.આગામી સૂચના ન મળે ત્યાં સુધી રણ વિસ્તારથી દૂર રહેવા અને ઈમરજન્સી સ્થિતિમાં વધુ માહિતી માટે દિલુભા જાડેજાનો મોબાઈલ નંબર 9825222803 પર સંપર્ક કરવા જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #Maliya #Halvad #HeavyRainAlert #SaltPanWorkers #RannOfKutch #WeatherUpdate #GujaratRain #MorbiDistrict