મોરબી અપડેટ (કેતન ભટ્ટી-વાંકાનેર) : વાંકાનેર શહેરમાં ભારે વરસાદને પગલે જૂના દરબારગઢ પાસે આવેલ વર્ષોથી બંધ પડેલા પ્લે હાઉસ સિનેમાની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલનો કાટમાળ નીચે પડતાં એક કેબિન અને એક કાર દબાઈ જતાં ભારે નુકસાન થયું છે.પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરનું પ્લે હાઉસ સિનેમા વર્ષોથી બંધ હાલતમાં છે અને તેની ઈમારત જર્જરિત થઈ ચૂકી છે. આજરોજ તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ ભારે વરસાદને પગલે આ ઈમારતની તોતિંગ દીવાલ અચાનક તૂટી પડી હતી. દીવાલના મોટા પથ્થરો નીચે પાર્ક કરેલી એક કાર અને બંધ કેબિન પર પડતાં બંનેનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.સદનસીબે, ભારે વરસાદને કારણે નીચે રહેલી કેબિન બંધ હતી અને રસ્તા પર લોકોની અવરજવર પણ ન હતી, જેથી એક ખૂબ જ ગંભીર દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે, આ જૂના સિનેમાની હાલત હજુ પણ અત્યંત જર્જરિત છે. ભવિષ્યમાં વધુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં તંત્ર દ્વારા આ ઈમારતના અન્ય જર્જરિત અને જોખમી ભાગો સત્વરે હટાવી દેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.#Wankaner #MorbiUpdate #HeavyRain #GujaratRain #WankanerNews #WallCollapse #Monsoon2026 #MorbiNews