મોરબી અપડેટ : ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે મોરબી તાલુકાના જીકિયારી ગામ પાસે આવેલા ઘોડાધ્રોઈ જળાશયમાં પાણીની આવક વધતાં જળાશયની સુરક્ષા અને રૂલ લેવલ જાળવવાના ભાગરૂપે તંત્ર દ્વારા ત્વરિત તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ડેમમાં 646 ક્યુસેક પાણીની આવક સામે સવારે 8 કલાકે ડેમનો 1 દરવાજો 3 ઈંચ ખોલીને 299 ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવશે.જળાશયમાંથી પાણીનો પ્રવાહ શરૂ કરાતા જનસુરક્ષાને ધ્યાને રાખીને હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જીકિયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર(મચ્છુ) અને રવાપર તેમજ માળિયા (મિયાણા) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચિખલી મળી કુલ 10 ગામોના લોકોને તકેદારી રાખવા અને નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.