પ્રથમવાર ચોથી જાગીર એવા પત્રકારોને સામાન્ય સભામાં નો- એન્ટ્રી : કોર્પોરેટર મહિલાઓના પતિઓને અપાયું સભામાં સ્થાન : શહેરમાં ઠેર-ઠેર સમસ્યાઓ અને કૌભાંડોની બદબુ દબાવવા સતાધીશોએ તાનાશાહીનો રસ્તો અપનાવ્યો મોરબી : મોરબી શહેરમાં સમસ્યાઓનો ઢગલો છે. ઉપરાંત છેલ્લા થોડા દિવસોમાં કૌભાંડોના પણ ભરપૂર આક્ષેપો થયા છે. તેવામાં સામાન્ય સભામાં વિપક્ષની એક પણ બેઠક ન હોય, પત્રકારો પ્રશ્નોની ભરમાર કરવાના હોય, જેનાથી બચવા મેયર સાહેબે તાનાશહી નિર્ણય લઈ પત્રકારોને સામાન્ય સભામાં નો એન્ટ્રીનું ફરમાન જાહેર કરી દીધું છે. સામાન્ય સભામાં પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના હિસાબો અને મસમોટા કૌભાંડોની પોલ ખુલી ન જાય તે માટે મેયરે લોકશાહીનો કચ્ચરઘાણ વાળી દીધો છે. મીડિયા કર્મીઓ કે જેઓ પ્રજાનો અવાજ છે, તેમને જ સામાન્ય સભામાંથી બહાર કાઢીને સત્તાધીશોએ બંધ બારણે સભા યોજવાનું કૃત્ય કર્યું છે. આ ઘટના સાબિત કરે છે કે વહીવટી તંત્રમાં પારદર્શિતાની માત્ર વાતો થાય છે. સતાધીશો જાણી જોઈને વહીવટ ગોબરો કરવામાં જ માને છે.સત્તાનો નશો મેયરના માથે એ હદે ચડી ગયો છે કે કાયદા અને નિયમો માત્ર પત્રકારો અને સામાન્ય નાગરિકો માટે જ રહ્યા છે. એક તરફ કૌભાંડોની વાતો બહાર ન આવે તે ડરથી પત્રકારોને સભાની બહાર તગેડી મુકવામાં આવ્યા, તો બીજી તરફ ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને મહિલા કોર્પોરેટરોના પતિને વિશેષ પ્રોટોકોલ આપીને બેઠકમાં બેસાડવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે આ પતિદેવો હાજર ન હતા, છતાં તેમને ખાસ બહારથી બોલાવીને સભામાં બેસવાની છૂટ આપવામાં આવી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાય અન્ય બિનઅધિકૃત વ્યક્તિને સભામાં બેસાડવા એ મહાનગરપાલિકાના નિયમોની સરેઆમ મજાક ઉડાવવા સમાન છે.હવે સવાલ એ છે કે પત્રકારોની હાજરીથી મેયરને કેમ પરસેવો છૂટી જાય છે? માત્ર બીજાના કહેવા જેટલું જ બોલતા આ પ્રથમ નાગરિકને ખબર હતી કે આજે પ્રશ્નોની ભરમાર થશે અને બધું ઉઘાડું પડશે એટલે તેઓએ મીડિયા કર્મીઓ સાથે દુરી બનાવીને સભામાં નો એન્ટ્રીનો વાહિયાત નિર્ણય લીધો છે.મોરબી મહાપાલિકાના ઇતિહાસમાં આજનો દિવસ 'બ્લેક ફ્રાઇડે' સમાન : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાશહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોને હોલની બહાર રાખીને સત્તાધીશોએ મોરબી મહાપાલિકાના ઇતિહાસમાં આજના દિવસને 'બ્લેક ફ્રાઇડે' બનાવી દીધો છે. કોંગ્રેસ પ્રમુખે ભાજપ શાસિત પાલિકા પર આકરા પ્રહાર કરતા ભૂતકાળના અનેક ભ્રષ્ટાચારના મુદ્દાઓ આગળ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પાલિકાની 1700 થી વધુ સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ હતી, તેમજ આવાસ યોજના અને નંદીઘરમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તાજેતરમાં એલ્યુમિનિયમ બોક્સની ટ્યુબલાઈટોની પણ ચોરી થઈ છે અને ભાજપના જ પૂર્વ કાઉન્સિલરે વીસીપરામાં લોખંડનો ભંગાર ચોરાયો હોવાની ફરિયાદ પણ કરી હતી. આ તમામ મુદ્દાઓના જવાબો આપવાની કોઈ પણ સત્તાધીશની તૈયારી નથી. પુષ્પરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યો હતો કે, સામાન્ય સભામાં એવી કઈ ખાનગી ચર્ચા કરવાની હતી જે પત્રકારોની હાજરીમાં ન થઈ શકે? સંગઠનનું કામ કરતા અન્ય લોકો કે કોર્પોરેટરના સગા-સંબંધીઓને અંદર જવા દેવામાં આવે અને પત્રકારોને અટકાવવામાં આવે તે અત્યંત શંકાસ્પદ છે. આ બાબતે મેયર અને કમિશનર જવાબ આપે તેવી માંગ તેમણે ઉચ્ચારી છે. મહાપાલિકા માત્ર ભારતીય જનતા પાર્ટીનું કેમ હિત થાય તેને અનુલક્ષીને કામ કરતી હોવાનું લાગી રહ્યું છે. #Morbi #MorbiUpdate #MorbiNagarpalika #Congress #PushparajsinhJadeja #GujaratNews #MorbiNews #Politics #BJP