કરોડોના ખર્ચે મુકાયેલી સ્ટ્રીટ લાઈટો બની શોભાના ગાંઠિયા : લોકોમાં નારાજગી મોરબી અપડેટ : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી લઈને રામધન આશ્રમ સુધીના માર્ગ પર કરોડો રૂપિયાના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારી કે ટેકનિકલ ખામીના કારણે છેલ્લા 15 દિવસથી આ તમામ સ્ટ્રીટ લાઈટો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. રાત્રિના સમયે આ સમગ્ર રોડ પર ઘોર અંધારપટ છવાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની સતત અવરજવર રહે છે. રાત્રિના અંધારામાં રસ્તા પરના ખાડા, ડિવાઈડર કે રખડતા પશુઓ સ્પષ્ટ દેખાતા નથી, જેના લીધે ગંભીર અકસ્માત થવાનું જોખમ 100 ગણું વધી ગયું છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે, 'જો કોઈ મોટો અકસ્માત સર્જાશે કે કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાશે, તો તેના માટે આખરે જવાબદાર કોણ??'સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગણી છે કે સંબંધિત તંત્ર અને અધિકારીઓ વહેલી તકે ઊંઘમાંથી જાગે અને બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો તુરંત ચાલુ કરાવે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સ્થિતિ સુધારી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #StreetLight #MahendranagarChokdi #RamdhanAshram #MorbiCivicIssues #GujaratNews #MorbiCity #RoadSafety