જી.આઈ.ડી.સી. અને શનાળા રોડ પર ગટરના દૂષિત પાણીથી લોકો પરેશાન: કોંગ્રેસ પૂર્વ આગેવાન રમેશ રબારીનો તંત્ર સામે પ્રહાર22 દિવસમાં 1 કરોડની કપચી કયા રસ્તા પર પાથરી તેની વિગતો જાહેર કરવા મહાનગરપાલિકા પાસે માંગણીમોરબી: મોરબી મહાનગરપાલિકાના મેયરના પોતાના વોર્ડ નંબર 8 ના મેઈન રોડ પર જ ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ આગેવાન રમેશ રબારીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે જો મેયરના પોતાના વોર્ડમાં જ આવી દુરદશા હોય તો સમગ્ર મોરબી શહેરની શું હાલત હશે?હાલમાં વરસાદ ન હોવા છતાં વોર્ડ નંબર 8 ના મેઈન રોડ જેવા કે જી.આઈ.ડી.સી. અને પટેલ કન્યા છાત્રાલય મેઈન રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. સફાઈ ન થવાના કારણે ગટર ઉભરાતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, સ્થાનિક રહીશો અને સવારે-સાંજે વોક માટે નીકળતા સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત શનાળા મેઈન રોડ પર શ્રીજી રેસ્ટોરેન્ટથી ચેટક પંચર સુધીની આખી લાઈનમાં ગટરના પાણી ભરાઈ રહેતા વેપારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.બીજી તરફ, રમેશ રબારીએ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા મીડિયામાં આપેલા નિવેદન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 22 દિવસમાં 1 કરોડ રૂપિયાની કપચી મોરબીના વિવિધ વિસ્તારોમાં પાથરવામાં આવી હોવાનો દાવો કરાયો હતો. આ અંગે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, જો 1 કરોડની કપચી પાથરવામાં આવી હોય તો પણ વી.સી. પરા રોડ, લાતી પ્લોટ, કાલિકા પ્લોટ અને દાઉદી પ્લોટ જેવા અનેક રસ્તાઓ પર હજુ પણ લોકો ચાલી શકતા નથી.તેમણે તંત્ર પાસે પારદર્શિતાની માંગ કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકાના અધિકારીઓએ 1 કરોડ રૂપિયાની કપચી કયા વોર્ડમાં અને કયા રસ્તા પર પાથરવામાં આવી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. સાથે જ આ કપચી કયા સ્ટોનથી ખરીદવામાં આવી અને તેનો એક ટનનો શું ભાવ ચૂકવાયો તે તમામ વિગતો જાહેર કરવા માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipality #Ward8 #GutterProblem #RameshRabari #MorbiNews #GujaratNews