ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરીમાં બાળ મજૂરો પાસે કરાવાતી હતી વેઠમોરબી : મોરબી શહેરમાં મહાનગર પાલિકામાં હાજરી કૌભાંડ, નંદીઘરમાં ગેરરીતિ, સફાઇ કામગીરીમાં અનિયમિતતા, ભૂગર્ભ ઉભરાવી, સ્ટ્રીટલાઈટોની ફરિયાદોનું નિરાકરણ ન થવું, તૂટેલા રોડ રસ્તા અને પોતાના કિંમતી ભંગારની ચોરી જેવી ઘટનાઓ રોજિંદી બની છે ત્યારે હવે કોર્પોરેશનના કોન્ટ્રાકટર દ્વારા ઘેર - ઘેરથી કચરો એકત્રિત કરવાની કામગીરીમાં બાળકો પાસે વેઠ કરાવવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરબી શ્રમ આયુક્ત કચેરી દ્વારા મહાનગર પાલિકાના નાક નીચે થતી બાળમજૂરી મામલે કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરીને માહિતી મળી હતી કે, મોરબી મહાનગર પાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના કોન્ટ્રાકટર દ્વારા બાળમજૂરોને કામે રાખી વેઠ કરાવવામાં આવી રહી છે.જેને પગલે સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોષીએ રવાપર રોડ પર ચેકીંગ કરતા અહીં પરસોતમ ચોક પાસેથી કચરો એકત્રિત કરી રહેલા એક બાળશ્રમિકને મૂકત કરાવી બાળકને કામે રાખનાર કોર્પોરેશનના શ્રીજી એજન્સીના કોન્ટ્રાકટર રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા રહે.મકબરા, અમદાવાદ વાળા વિરુદ્ધ બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમ અન્વયે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.