મેળાઓ અને યોજનાકીય કાર્યક્રમો પૂરા થયા બાદ દર વખતે સફાઈના નામે મીંડુ : કરારના નિયમોનો ભંગ છતાં એજન્સીઓ સામે દંડનીય કાર્યવાહી કેમ નહીં? મોરબી: મોરબીને મહાનગરપાલિકાને મેગા સિટી કે 'પેરિસ' બનાવવાની મોટી મોટી વાતો વચ્ચે શહેરના ઐતિહાસિક L.E. ગ્રાઉન્ડમાં કચરાના ગંજ પડ્યા છે. ગ્રાઉન્ડમાં અવારનવાર મેળાઓ, રોજગારી લક્ષી કાર્યક્રમો તેમજ વિવિધ સરકારી યોજનાઓના આયોજનો થાય છે, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં ચારેય તરફ કચરો, પ્લાસ્ટિક અને ગંદકી છોડીને આયોજકો ચાલ્યા જાય છે.સ્થાનિક સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા જ્યારે પણ કોઈ એજન્સી કે આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે ત્યારે કરારમાં સ્પષ્ટ શરત હોય છે કે ગ્રાઉન્ડ જે મૂળ અને સ્વચ્છ સ્થિતિમાં સોંપવામાં આવ્યું હોય, કાર્યક્રમ પૂરો થયા બાદ તે જ સ્થિતિમાં પરત કરવાનું રહેશે. છતાં પણ મેળાઓ કે સરકારી કાર્યક્રમો પૂરા થયા પછી આખું ગ્રાઉન્ડ કચરાપેટીમાં ફેરવાઈ જાય છે.હાલમાં જ મેળો પૂર્ણ થયો છે અને આગામી 14 તારીખે ફરીથી નવું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ગ્રાઉન્ડમાં પથરાયેલો જૂનો કચરો ઉપાડવાની કે સફાઈ કરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. દર વખતે આ ગંભીર બાબતે ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં અને ન્યૂઝ માધ્યમો દ્વારા સતત અહેવાલો આપવા છતાં બેફામ બનેલી એજન્સીઓ સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી.તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ આવી બેદરકાર એજન્સીઓને કડક દંડ ફટકારવામાં કેમ પાછીપાની કરી રહ્યા છે તે મોટો સવાલ છે. મોરબીમાં 'અંધેરી નગરી ને નિર્ભર તંત્ર' જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ સ્થાનિક સ્તરે સ્વચ્છતાનું શૂન્ય પાલન થાય છે. હવે મહાનગરપાલિકા જાગીને આ ગંદકી દૂર કરાવશે અને જવાબદાર એજન્સીઓ સામે લાલ આંખ કરશે કે પછી દર વખતની જેમ કાર્યવાહીના નામે મીંડુ રહે છે તે જોવાનું રહ્યું.#Morbi #MorbiUpdate #LEGround #MorbiMunicipality #CleanMorbi #MorbiNews #GujaratNews