લીલાપર અને શનાળાના તળાવો તેમજ નવલખી રોડ અને રવાપર રોડ પર કરાશે બ્યુટીફિકેશન : મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો મોરબી : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં અગાઉની બેઠકના પડતર રહેલા એજન્ડા અને મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીમાં લીલાપર અને શનાળાના તળાવો તેમજ નવલખી ફાટક અને રવાપર રોડનું બ્યુટીફિકેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. સાથે ખાડા બુરવા માટે 22 દિવસના સમયમાં રૂ.1 કરોડની કપચી નખાઈ હતી તેને મંજૂરી આપવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર બેઠકમાં ફાયર સ્ટેશનની કામગીરી અંગેના 15 દિવસના દ્વિસાપ્તાહિક અહેવાલની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેશનના 3 મહિનાના માસિક આવક અને જાવકના હિસાબો બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિમાસિક ગાળામાં અંદાજિત 48 કરોડ રૂપિયાની આવક અને 38 કરોડ રૂપિયાની જાવક નોંધાઈ છે, જેની ચકાસણી કરીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મોરબીમાં બનાવેલા 608 આવાસોમાં જરૂરી સુધારા-વધારા માટે વધારાની રકમને મંજૂરી આપવામાં આવી છે, જેથી લાભાર્થીઓ ઝડપથી ત્યાં રહેવા જઈ શકે. શહેરના બ્યુટીફીકેશન અંતર્ગત લીલાપર તળાવ અને શકત શનાળા તળાવના કામોને મંજૂરી અપાઈ છે. આ સાથે જ નવલખી રેલવે ફાટકથી ઓવરબ્રિજ સુધીના રોડ અને રવાપર રોડ પર બોની પાર્કથી ગોલ્ડન માર્કેટ સુધીના બ્યુટીફીકેશન કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે.ચોમાસાના કારણે મોરબી શહેર અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ખાડાઓ પૂરવા માટે અંદાજિત 211 ગાડી મોરમ નાખવાની કામગીરી કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા 7 તારીખથી 29 તારીખ સુધીમાં જુદી-જુદી જગ્યાએ વરસાદના કારણે પડેલા ખાડાઓ પૂરવા માટે મોરમ અને કપચી સહિત 1 કરોડ 5 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.લોકભાગીદારી (જનભાગીદારી) અંતર્ગત 7 થી 8 સોસાયટીના કામોના વર્ક ઓર્ડર આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાના નવા બિલ્ડીંગની ઓફિસના ખર્ચ અંગે સમિતિનો પૂરો અહેવાલ ન મળ્યો હોવાથી આ મુદ્દો હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #StandingCommittee #DevelopmentWorks #Gujarat