હળવદ : હળવદ શહેરના સરા રોડ પર ગઈકાલે સવારના સમયે પુત્ર સાથે આગાઉ વ્યાપાર કરતા બે ભાઈઓએ પૈસાની લેતી દેતીના જુના મનદુઃખમાં કૌટુંબિક ભાઇ એવા વૃદ્ધને રોકી બેફામ ગાળો આપી માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં હરિનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા ફરિયાદી દેવજીભાઈ પરસોત્તમભાઈ લોરીયા ઉ.67એ આરોપી દલીચંદ લોરીયા અને મનીષ લોરીયા રહે.બન્ને અવધ સોસાયટી, હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ફરિયાદીનો પુત્ર જયેશ આરોપીઓ સાથે બેસી વેપાર કરતો હોય જેમાં પૈસાની લેતી દેતી બાબતે મનદુઃખ થયું હતું.જેમાં ગઈકાલે ફરિયાદી સરા રોડ પર હતા ત્યારે બન્ને આરોપીઓ ત્યાંથી નીકળતા દેવજીભાઈને રોકી તેમના પુત્ર જેયશને કારણે ધંધામાં નુકશાન થયું હોવાનું કહી ગાળાગાળી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.