અયોધ્યાપુરી મંદિર સામેના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળેથી એસીના કમ્પ્રેસરના કોપર પાઇપની ચોરીમોરબી : મોરબી શહેરમાં ફરી એકવાર એસીના કોપર પાઇપ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. અયોધ્યાપુરી મંદિર સામે આવેલા કોમ્પ્લેક્ષમાં એક શખ્સે માત્ર 9 મિનિટમાં એસીના કમ્પ્રેસરમાંથી કોપર પાઇપ ચોરી કરી લઈ ગયો હતો. હાલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સીટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.મોરબી શહેર એસીના પાઈપની ચોરીની અનેક ઘટનાઓ બાદ ફરી એકવાર એસીના કોપર પાઇપની ચોરીની ઘટના સામે આવી છે. ગત 27 જુલાઈની રાત્રે 11.54 વાગ્યે અયોધ્યાપુરી મંદિર સામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં અજાણ્યો ઈસમ ત્રીજા માળે પહોંચ્યો હતો અને ત્યાં લગાવેલા એસીના કમ્પ્રેસરમાંથી કોપરના મોંઘા પાઇપ કાઢી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આરોપીએ માત્ર 9 મિનિટમાં સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપી હતી. ચોરી દરમિયાન તેને કોઈ પ્રકારનો ભય ન હોય તેમ બિન્દાસ રીતે ચોરી કરી હતી. જોકે કોમ્પ્લેક્ષમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તેની દરેક હિલચાલ કેદ થઈ ગઈ છે. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ઉપરાંત શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ કેમેરાના ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ રવાપર રોડ પર આવેલા ઓમ શોપિંગ કોમ્પ્લેક્ષની છત પરથી એક સાથે 7થી 8 એસીના કોપર પાઇપની ચોરી થઈ હતી. તે મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો, પરંતુ તે કેસ હજુ સુધી ડિટેક્ટ થયો નથી. ત્યારે હવે તાજેતરની ઘટનામાં ચોરીના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવાથી પોલીસને આરોપીને ઝડપી પાડવામાં અને અગાઉ થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળશે તેવી શહેરવાસીઓમાં આશા જાગી છે.