પેપર મિલો દ્વારા થયેલા ભાવ વધારા અને શોર્ટ સપ્લાયને પગલે મોરબી પેકેજિંગ એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય : એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી પણ કરાઈમોરબી અપડેટ : મોરબી પેકેજિંગ એસોસિએશનને 2 વર્ષ પૂર્ણ થતાં મોરબી ખાતે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ પેકેજીંગ બોક્સના ભાવમાં 12 ટકાનો વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે.પેકેજીંગ એસોસિએશનના પ્રમુખ તરીકે પાર્થભાઈ બારૈયાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અમૃતિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ નવી નિમણૂકોથી મોરબીના પેકેજિંગ ઉદ્યોગમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર પેપર મિલોમાં કાગળના ભાવમાં અસહ્ય વધારો નોંધાયો છે અને પેપરની શોર્ટ સપ્લાયની સ્થિતિ સર્જાઈ છે. માલ માટે 1 મહિના સુધી રાહ જોવી પડતી હોવાથી પેકેજિંગ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેકેજિંગ ઉદ્યોગકારો દ્વારા બોક્સના ભાવમાં 12% નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉદ્યોગકારો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકોના જે જૂના ઓર્ડર પેન્ડિંગ છે તે પૂરા કરવામાં આવશે અને ત્યારબાદ નવા ઓર્ડર પર 12% નો નવો ભાવ વધારો લાગુ પડશે. આ અંગે તમામ પેકેજિંગ ઉદ્યોગકારોએ પોત-પોતાના ગ્રાહક મિત્રોને નવા ભાવ વધારાની જાણ કરી દીધી હોવાનું અંતમાં જણાવ્યું હતું.#MorbiUpdate #Morbi #MorbiNews #MorbiPackagingAssociation #PackagingIndustry #CorrugatedBox #BusinessNews #PriceHike #PaperMill #GujaratNews