તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું : પક્ષકારોને નુકસાન ન થાય તે માટે યથાવત સ્થિતિ જાળવી રાખવા કોર્ટને અપીલટંકારા (મોરબી અપડેટ) : ગુજરાત હાઈકોર્ટની બેંચ રાજકોટમાં ફાળવવાની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો મેદાને આવ્યા છે. રાજકોટ બાર એસોસિએશનની આગેવાનીમાં મળેલી મીટીંગના ઠરાવ મુજબ, ટંકારા બાર એસોસિએશન દ્વારા પણ તારીખ 29/07/2026 ના રોજ એક દિવસની પ્રતીક હડતાળ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તારીખ 25/07/2026 ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લા તથા તાલુકા કક્ષાના બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તેમજ હાઈકોર્ટ બેંચ કમિટીના સિનિયર એડવોકેટની એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં હાજર તમામ પ્રતિનિધિઓના સૂચનને ધ્યાને લઈ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ તમામ કોર્ટોમાં તારીખ 29/07/2026 ના રોજ અર્જન્ટ કાર્યવાહી સિવાયની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું અને એક દિવસ પ્રતીક હડતાળ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદારને આવેદન આપવાનું પણ ઠરાવવામાં આવ્યું છે.આ ઠરાવના સમર્થનમાં ટંકારા બારના તમામ વકીલો તારીખ 29/07/2026 ના રોજ હડતાળ પર રહેશે અને હાઈકોર્ટ બેંચ રાજકોટને મળે તે અંગે આવેદનપત્ર પાઠવ્યું છે. વધુમાં, ટંકારા બાર એસોસિએશન દ્વારા ટંકારા મામલતદારની કોર્ટમાં ચાલતા પેન્ડીંગ કેસોમાં પક્ષકારોને કોઈ નુકશાન ન થાય તે માટે વકીલોની ગેરહાજરીમાં કેસની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ પક્ષકારો વિરુદ્ધ કોઈ હુકમ ન ફરમાવવા ખાસ વિનંતી કરવામાં આવી છે.#Morbi #Tankara #MorbiUpdate #TankaraBarAssociation #HighCourtBench #Rajkot #LawyersStrike #GujaratNews