ડામરની સરખામણીએ RCC રોડનો ખર્ચ 30 ટકા વધુ, પરંતુ મજબૂતાઇ વધુ હોવાથી ડામર રોડ નહિ બનાવાયમોરબી : રાજ્યના માર્ગોને મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને હવે ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC)થી બનાવવામાં આવશે.ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે દર વર્ષે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને ભારે મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે. માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામતળના જે વિસ્તારોમાં પાણીનો ભરાવો વધુ થતો હોય, તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ CC રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં CC રોડનું કામ હાલમાં ચાલુ જ છે. આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ CC રોડની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા જેટલો વધુ હોય છે. તેમ છતાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખર્ચની ચિંતા કર્યા વિના, પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ મળે તે હેતુથી આ નિર્ણય લીધો છે.સિમેન્ટ કોંક્રીટ (CC) રોડ બનવાથી થતા મુખ્ય ફાયદાઓ: * CC રોડ અત્યંત મજબૂત હોવાથી તેનું આયુષ્ય લાંબુ હોય છે અને ઘસારો ઓછો થાય છે. * ભારે વાહનો, ઓવરલોડ વાહનો તથા મલ્ટી-એક્સલ વાહનોની સતત અવરજવર માટે આ રસ્તા શ્રેષ્ઠ રહે છે. * રિપેરિંગ કે મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે, જેનાથી લાંબા ગાળે સરકારી તિજોરી પર મરામતનો ખર્ચ બચે છે. * રસ્તા પર વારંવાર ખાડા પડવા કે સપાટી તૂટી જવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થાય છે. * ભારે વરસાદવાળા વિસ્તારોમાં અને પાણી ભરાતું હોય તેવી જગ્યાઓએ પણ CC રોડ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ સુદ્રઢ બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે.#MorbiUpdate #GujaratGovt #BhupendraPatel #CCRoads #GujaratNews #MonsoonSolution #Infrastructure #SmartGujarat #RoadSafety