વિવિધ સમિતિઓમાં ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, મેન્ટોર મહાનગરપાલિકાના નિયમો અન્વયે કરશે સમિતિ રચનામોરબી: મોરબી મહાનગર પાલિકા દ્વારા વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવવા અને શહેરી વિકાસના પ્રશ્નોના નિકાલ માટે આગામી તા. ૩૧ને શુક્રવારના રોજ સવારે સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય સભાના ત્રણ મુદાનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે જેમાં વિવિધ સમિતિઓ અને વોર્ડ સમિતિ રચના કરવાનો મુદ્દો મુખ્ય છે.મહત્વનું છે કે,ચૂંટણી પરિણામોના ત્રણ મહિના બાદ સમિતિ રચનાનું મુહૂર્ત નીકળ્યું છે.આગામી શુક્રવારના રોજ મોરબી મહનગર પાલિકાના સભાખંડમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને વહીવટી સુધારણા માટે સામાન્ય સભા યોજાશે.જેમાં મહત્વપૂર્ણ એજન્ડા ઉપર ચર્ચા હાથ ધરવામાં આવશે, બેઠકમાં મુખ્યત્વે ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવાની સાથે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એક્ટની કલમ ૩૦ હેઠળ ખાસ સમિતિની રચના કરવા ઉપરાંત ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એક્ટની કલમ ૨૯ A હેઠળ વોર્ડ સમિતિની રચના કરવા નિર્ણય લઈ અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનાર અન્ય અગત્યની બાબતો પર નિર્ણય લેવામાં આવશે.મહત્વનું છે કે, વિપક્ષ વગરની મોરબી મહાનગર પાલિકામાં તમામ બાવન બેઠકો પર જીત મેળવ્યા બાદ હજુ સુધી સત્તાધારી ભાજપ વિવિધ સમિતિઓની રચના કરી શક્યો નથી ત્યારે ચૂંટણી પરિણામોના ત્રણેક મહિના બાદ અંતે વિવિધ સમિતિની રચના માટે સામાન્ય સભા બોલાવવામાં આવતા મહત્વપૂર્ણ એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન નહીં મેળવી શકનાર કોર્પોરેટરો દ્વારા હવે ચેરમેન બનવા માટે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સંજોગોમાં શુક્રવાર કયા સભ્યો માટે શુકનવંતો સાબિત થાય છે તે જોવું રહ્યું.