ચેકડેમો ભરવા માટે 125 એમસીએફટી પાણી છોડાશે: નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની અપીલમોરબી અપડેટ : મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 સિંચાઈ યોજનામાંથી હેઠવાસના ચેકડેમો ભરવા માટે આવતીકાલે તારીખ 30/07/2026 ના રોજ સવારે 9:30 કલાકે ડેમનો દરવાજો ખોલવામાં આવશે. આથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના કુલ 10 ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.ડેમી-2 ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ 125 એમસીએફટી પાણી છોડવા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે દરખાસ્ત મોકલતા ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત તારીખ 30/07/2026 ના રોજ સવારે 9:30 કલાકે ડેમનો 1 રેડિયલ ગેઇટ 0.5 ફૂટ ખોલીને 499 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાંથી પાણી છોડાનાર હોવાથી નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત રહેવા સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. #MorbiUpdate #Morbi #Tankara #Demi2Dam #DamAlert #MorbiNews #GujaratNews