મંજૂરી વગર ટ્રાફિક જામ કર્યાનું જાહેર કરીને ટંકારા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યોમોરબી અપડેટ (ટંકારા) : મોરબી જિલ્લામાં પ્રશ્નોને લઈ તંત્ર દાદ ન આપતા અગાઉ અનેકવાર લોકોએ ચક્કાજામ કર્યા હોવાના બનાવો બન્યા છે, પરંતુ કોઈની સામે તંત્રએ કાર્યવાહી કરી નથી. જોકે, આ વખતે ટંકારા પોલીસે પ્રથમવાર ચક્કાજામ કરનાર સામે કાર્યવાહી કરી છે. લજાઈ ચોકડી ખાતે મોરબી-રાજકોટ હાઈવેની બિસ્માર હાલતને લઈ આજે સવારે ઉદ્યોગકારોએ ચક્કાજામ કર્યો હતો. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી છે.મોરબી-રાજકોટ હાઈવેની હાલત બિસ્માર છે. અનેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના વિરોધમાં આજે લજાઈ ચોકડીએ ઉદ્યોગકારોએ ભેગા થઈને ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાને પગલે ટંકારા પોલીસે બપોરના સમયે સત્તાવાર જાહેર કર્યું છે કે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી કે અમુક ઈસમોએ પૂર્વ મંજૂરી લીધા વગર લજાઈ ચોકડી ખાતે ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું છે. પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે જઈ તપાસ કરતા કેટલાક ઈસમો મોરબી-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર લજાઈ ચોકડી ખાતે વાહનો રોકી, અકસ્માત થાય તે રીતે ટ્રાફિક જામ કરી બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.પોલીસે તાત્કાલિક આ તમામ ઈસમોને ડિટેઈન કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. તાજેતરમાં હળવદ તાલુકાના રાયધ્રા, પાંડાતીરથ, સરભંડા અને રણછોડગઢ વિસ્તારમાં તાલુકા પંચાયત સદસ્યની પેટાચૂંટણી ચાલુ હોવાથી અન્ય વિસ્તારમાં તેની અસર ન થાય તે હેતુથી પણ પોલીસે ત્વરિત પગલાં લીધા હતા. આ ઈસમોએ કોઈ પૂર્વ મંજૂરી લીધી ન હોય અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી તેમની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 તથા 285 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ ચક્કાજામમાં હાર્દિકભાઈ નાનજીભાઈ ઘોડાસરા (ઉં.વ. 35, રહે. મોરબી-01, રવાપર ચોકડી, દર્પણ સોસાયટી), બંસીભાઈ દિનેશભાઈ દલસાણીયા (ઉં.વ. 29, રહે. મોરબી-01, કન્યા છાત્રાલય રોડ) પંકજભાઈ દયારામભાઈ મસોત (ઉં.વ. 55, રહે. લજાઈ ગામ, તા-ટંકારા, જી-મોરબી)ની ધરપકડ કરી હોવાનું જાહેર કર્યું છે. #MorbiUpdate #Morbi #TankaraPolice #TrafficJam #LajaiChokdi #GujaratPolice #MorbiNews #BNS2023