શેરીના ખૂણે કચરાના ગંજ ખડકાતા માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો: સત્વરે નિકાલ નહીં થાય તો લડત આપવાની કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની ચીમકીમોરબી અપડેટ : મોરબીના દાઉદી પ્લોટ શેરી નંબર 2 વિસ્તારમાં આવેલ વોંકળાની સફાઈ બાદ તંત્ર દ્વારા કચરો ત્યાં જ રોડના ખૂણે છોડી દેવાતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકી અને મચ્છરજન્ય રોગચાળાની ભયાનક પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક મહિલાઓ સાથે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારોએ મેયર ઉત્તમભાઈ સુરાણીને રૂબરૂ આવેદનપત્ર પાઠવીને સત્વરે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.વોંકળામાંથી કાઢેલો કચરો શેરીના ખૂણે જ છોડી દેવાયોસ્થાનિક રહીશ દીપિકા તેજસભાઈ સોનોગ્રા અને અન્ય મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠા ઓફિસ પાસે આવેલ વોંકળાની સફાઈ માટે વર્ષ 2024માં પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ વોંકળાની સફાઈ તો કરવામાં આવી, પરંતુ તેમાંથી નીકળેલો ટ્રેક્ટરો ભરાય તેટલો કચરો શેરી નંબર 2 ના ખૂણે જ ઢગલા કરીને છોડી દેવામાં આવ્યો છે. આ કચરાનો યોગ્ય નિકાલ ન કરાતાં વિસ્તારમાં ભયાનક દુર્ગંધ અને માખી-મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. શેરીમાં રમતા નાના બાળકો કાદવ-કચરામાં ખૂંપી જવાનો અને બીમાર પડવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે.સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર લડતની ચીમકીઆ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તંત્ર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, એક તરફ પાલિકા સ્વચ્છતાના નામે મોટા દાવા કરે છે, તો બીજી તરફ પ્રી-મોન્સૂન કામગીરી બાદ કાઢેલો કચરો રસ્તા પર જ છોડી દેવામાં આવે છે. ચોમાસાની સીઝનમાં માખી-મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પૂરતી શક્યતા છે. જો તંત્ર દ્વારા આ કચરાનો ઝડપથી અને યોગ્ય રીતે નિકાલ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશોને સાથે રાખીને આવનારા દિવસોમાં લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #DaudiPlot #CleanlinessIssue #PushprajSinhJadeja #MorbiCongress #PublicIssue #MorbiCivic #GujaratNews