લતીપર ચોકડી, ખિજડીયા ચોકડી અને દયાનંદ ચોક સહિતના વિસ્તારોમાં ગંદકી વચ્ચે અખાદ્ય ખોરાકનું ધૂમ વેચાણ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેકિંગ કરે તેવી લોકમાંગટંકારા : ટંકારા નગરપાલિકા વિસ્તારમાં હાલ ચોમાસાની ઋતુ દરમિયાન પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર ગંદકીના ગંજ વચ્ચે અખાદ્ય અને અસુરક્ષિત ખોરાકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ બધું બેરોકટોક ચાલી રહ્યું છે.ટંકારાના લતીપર ચોકડી, ખિજડીયા ચોકડી, દયાનંદ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફાસ્ટફૂડના નામે ધૂધરા, ભૂંગળા, પાણીપૂરી, શાક-ગાંઠિયા, ચિપ્સ અને દૂધના નામની બનાવટી આઈટમ સહિતની અનેક વાસી તથા ગુણવત્તા વગરની ચીજવસ્તુઓ ખુલ્લામાં વેચાઈ રહી છે. ચોમાસાની સિઝન ચાલુ હોવાથી મચ્છર અને માખીઓના ઉપદ્રવ વચ્ચે ખુલ્લામાં પિરસાતો આ વાસી ખોરાક ભયંકર રોગચાળો ફેલાવી શકે છે. વેપારીઓ દ્વારા રોજબરોજ રોડ પર જ કચરો અને એઠવાડ ફેંકવામાં આવતો હોવાથી દુર્ગંધ અને ગંદકીમાં બમણો વધારો થયો છે.વેચાણકારો દ્વારા માત્ર આરોગ્ય સાથે જ રમતો રમાતી નથી, પરંતુ સરકારી જમીનો અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણ કરીને ટ્રાફિકને પણ અડચણરૂપ બનવામાં આવી રહ્યું છે. સ્વાદરસીક જનતા પાસેથી 5 સ્ટાર હોટેલ જેવા અધધ ભાવ વસૂલીને બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. કેમિકલયુક્ત કલર અને સ્વાદ માટે કઈ વસ્તુઓનો તડકો લગાવવામાં આવે છે તે એક મોટો સવાલ છે. ગેરકાયદેસર જગ્યા પર લારી-ગલ્લા રાખી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓની ખાદ્ય સામગ્રીની તપાસ કોણ કરે છે, અને આમાં કોઈ થાબડભાણા કે પછી ટેબલ નીચેનો વહીવટ તો નથી ને? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.ચોમાસાની ઋતુમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળા જેવા રોગોનો ઉપદ્રવ વધે તે પહેલાં જ ટંકારા નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્વરિત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી, અખાદ્ય જથ્થાનો નાશ કરે અને દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરે તેવી સ્થાનિક રહીશોમાં પ્રબળ માંગ ઉઠી છે.#Tankara #FoodAndDrugs #HealthHazard #Monsoon #MorbiUpdate #StreetFood #PublicHealth #TankaraNews