મોડાસા-મોરબી રૂટની બસનો બનાવ : અમદાવાદથી મોરબીની ટિકિટ લઈને મુસાફરી કરી રહેલા 20 થી 25 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની પ્રાથમિક આશંકામોરબી : મોરબીના એસટી બસ સ્ટેન્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડાસા-મોરબી રૂટની બસ જ્યારે મોરબી પહોંચી ત્યારે બસમાં સવાર તમામ મુસાફરો ઉતરી ગયા હતા, પરંતુ પાછળની સીટ પર બેઠેલો એક યુવાન ઉઠ્યો ન હતો. કંડક્ટરે તપાસ કરતા યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો.કંડક્ટરે બોર્ડ બદલવા જતા ઘટનાની જાણ થઈપ્રાપ્ત માહિતી અનુસાર, બસ મોરબી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા બાદ તમામ પેસેન્જરો ઉતરી ગયા હતા. ત્યારબાદ બસના કંડક્ટર બસનું બોર્ડ બદલવા માટે પાછળ ગયા ત્યારે તેમણે છેલ્લી સીટ પર એક વ્યક્તિને બેઠેલો જોયો હતો. કંડક્ટરે તેને 'મોરબી આવી ગયું છે, ઉઠી જાવ' કહીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાનના શરીરમાં કોઈ હલનચલન ન થતા કંડક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.પોલીસ તપાસમાં યુવાન મૃત જાહેર, હાથ પર લખેલું છે નામઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો એસટી ડેપો ખાતે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતા યુવાન મૃત હાલતમાં જોવા મળ્યો હતો. મૃતકના હાથ પર શૈલેન્દ્ર કુમાર નામ લખેલું છે અને તેની ઉંમર આશરે 20 થી 25 વર્ષની હોવાનું અનુમાન છે. આ ઉપરાંત તેના હાથ પર 3 સ્ટાર પણ ત્રોફાવેલા છે.હાર્ટ એટેકની આશંકા, પીએમ રિપોર્ટની રાહપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવાને અમદાવાદથી બસમાં બેસીને મોરબીની ટિકિટ લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં યુવાનને હાર્ટ એટેક આવ્યો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, યુવાન ક્યાંનો છે અને તેના મૃત્યુનું ચોક્કસ કારણ શું છે, તે પીએમ (પોસ્ટ મોર્ટમ) રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #STBus #GujaratNews #MorbiPolice #LatestNews #HeartAttack