0 થી 18 વર્ષના મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે 24x7 કાર્યરત હેલ્પલાઇન બની આશીર્વાદરૂપ; 255 જનજાગૃતિ કાર્યક્રમો થકી 19,895 લોકો સુધી પહોંચાડાયો સુરક્ષાનો સંદેશમોરબી: મોરબી જિલ્લામાં બાળકોના અધિકારોના રક્ષણ, સર્વાંગી વિકાસ અને સુરક્ષિત બાળપણ સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા સંચાલિત ‘ચાઇલ્ડ હેલ્પલાઇન-1098’ સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે. 0 થી 18 વર્ષ સુધીના મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે 24x7 કાર્યરત આ ઇમરજન્સી સેવા બાળ શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવૃત્તિ અને બાળ તસ્કરી જેવા ગંભીર પ્રશ્નો સામે રક્ષણ આપી બાળકો અને સરકારી યોજનાઓ વચ્ચે એક મજબૂત સેતુ સમાન બની છે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી હેઠળના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત મોરબી ચાઇલ્ડ હેલ્પલાઇનને સપ્ટેમ્બર 2025 થી જુલાઈ 2026 દરમિયાન કુલ 55 કેસો પ્રાપ્ત થયા હતા. જેમાં ખોવાયેલા કે ત્યજી દેવાયેલા બાળકો અને બાળ લગ્ન અટકાવવા જેવા 10 ગંભીર કેસ, કાઉન્સેલિંગ તથા શિક્ષણ ક્ષેત્રના 43 સામાન્ય કોલ્સ અને 2 માહિતીલક્ષી કોલ્સનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં બાળકનું સુરક્ષિત રેસ્ક્યૂ, કાઉન્સેલિંગ, તબીબી સારવાર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂઆત, શેલ્ટર હોમની વ્યવસ્થા તેમજ પરિવાર સાથે પુનઃમિલન જેવી મહત્વપૂર્ણ કાનૂની અને સામાજિક કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી છે.આ બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાઇલ્ડ હેલ્પલાઇન માત્ર કેસોના નિવારણ સુધી સીમિત ન રહેતા, જનજાગૃતિ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન આપી રહી છે. શાળા અને આંગણવાડી કક્ષાના 97 કાર્યક્રમો મારફતે 12,596 બાળકોને તથા 158 જાહેર કાર્યક્રમો દ્વારા 7,299 નાગરિકો મળી કુલ 255 સેશન્સ દ્વારા 19,895 લોકોને બાળ અધિકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે.'બાળકોની સુરક્ષા એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે' ના સૂત્રને ચરિતાર્થ કરતાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ બાળક મુશ્કેલીમાં જણાય તો તાકીદે 24x7 કાર્યરત ટોલ-ફ્રી નંબર 1098 પર અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન, રૂમ નં. 34, બ્લોક-સી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે સંપર્ક કરવો.#Morbi #MorbiUpdate #ChildHelpline1098 #ChildSafety #SocialSecurity #MorbiNews #ChildRights