મોટાબાપુના દીકરા સાથેના મનદુઃખ હોવાના લીધે આ શખ્સોએ ઘરે ધસી આવીને હુમલો કર્યો હોવાનો ફરિયાદી યુવાનનો આક્ષેપમોરબી : મોરબી તાલુકાના રાજપર ગામમાં ગઈકાલે રવિવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મનોજ પનારા સહિત 6થી 7 શખ્સોએ ઘરમાં ઘુસી ઢીકા પાટુનો માર મારી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજપર ગામમાં ક્રિષ્ના પાર્ક 1 માં રહેતા 21 વર્ષીય કરણભાઇ ઉર્ફે જતીન દિનેશભાઇ ડાંગરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા.26/07/2026 ના રોજ રાત્રે પોતાના મોટા બાપુ બચુભાઇ પુનાભાઇ ડાંગરના ઘરે હાજર હતા. આ સમયે મનોજ પનારા, યોગેશભાઈ અને અન્ય 4 થી 5 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સોને કરણભાઈના મોટા બાપુના દીકરા મુકેશ ડાંગર સાથે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આરોપીઓએ બહારથી મુકેશનું નામ લઈને બૂમો પાડી હતી અને ગાળો બોલી હતી. દરવાજો ન ખોલતા આરોપીઓએ દરવાજાને ધક્કો મારી સ્ટોપર તોડી નાખી હતી અને ઘરમાં પ્રવેશ્યા હતા. કરણભાઈએ મુકેશ ઘરે હાજર નથી તેમ જણાવતા, મનોજ પનારાએ ઉશ્કેરાઈને કરણભાઈનો કાઠલો પકડી તેમને ઘરની બહાર શેરીમાં ખેંચી ગયા હતા. શેરીમાં મનોજ પનારાએ તેની પાસે રહેલી છરી વડે કરણભાઈ પર હુમલો કર્યો હતો. કરણભાઈએ પોતાનો જમણો હાથ વચ્ચે લાવતા તેમની હથેળીમાં સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઝપાઝપીમાં તેમનું ટી-શર્ટ ફાટી ગયું હતું અને છાતીના ભાગે નખોળિયાની ઈજાઓ થઈ હતી. મનોજ પનારાએ તેમને ડાબા કાન પાસે મુક્કો માર્યો હતો, જ્યારે તેની સાથે આવેલા 4 થી 5 અજાણ્યા શખ્સોએ પાછળથી ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપી મનોજ પનારાએ કરણભાઈ અને મુકેશ ડાંગરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાની ગાડીઓ લઈને રોડ તરફ ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત કરણભાઈને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખાનગી વાહનમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે 27/07/2026 ના રોજ સવારે 04:30 વાગ્યે મનોજ પનારા, યોગેશભાઈ અને 4 થી 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 351(2), 333, 189(2), 191(2), 191(3) અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેતનકુમાર હિંમતલાલ અંબારીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Rajpar #MorbiPolice #CrimeNews #GujaratNews #FIR #AssaultCase #MorbiCrime