હાઇવે અને ઉપરવાસના પાણીનો નિકાલ ન થતાં મુખ્ય ગટર ચોકઅપ: ઉદ્યોગકારોને લાખોનું નુકસાન થતા ભારે રોષમોરબી : રફાળેશ્વર GIDC વિસ્તારમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હાઇવે તેમજ ઉપરવાસના ગામડાઓમાંથી આવતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે તમામ પાણી GIDC વિસ્તારમાં ધસી આવ્યું હતું. જેને પગલે 40 જેટલા નાના કારખાનાઓ અને ફેક્ટરીઓમાં 2-2 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.મુખ્ય ગટર ચોકઅપ અને રસ્તાઓ બિસ્મારસ્થાનિક ઉદ્યોગકાર મુકેશભાઈ આદ્રોજાના જણાવ્યા અનુસાર, રફાળેશ્વર GIDCમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ નેશનલ હાઇવે બાજુ આવેલી મુખ્ય ગટર ચોકઅપ હોવાનું છે. ઉપરવાસના ગામડાઓનું બધું પાણી આ ગટરમાં આવે છે, પરંતુ લાંબા સમયથી ગટરની યોગ્ય સફાઈ ન થતી હોવાથી પાણી ઉભરાઈને GIDCની અંદર ઘૂસી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારના રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. આ ઉપરાંત PGVCL દ્વારા વીજ પુરવઠો પણ સતત ખોરવાઈ રહ્યો છે, જેના કારણે અડધી કલાક વીજળી આવે અને 2 કલાક જતી રહે છે. માલસામાન પલળી જતાં લાખોનું નુકસાનઉદ્યોગકાર હિતેશભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ફેક્ટરીના શેડમાં 1.5થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં પેકિંગના બોક્સ, રો-મટિરિયલ અને તૈયાર માલસામાન પલળીને નાશ પામ્યો છે. માત્ર તેમની ફેક્ટરીમાં જ અંદાજે 1.5થી 2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. GIDCમાં આવેલા પેકેજિંગ, પાવડર, સિંક, ડાઈ તેમજ ગૃહ ઉદ્યોગ જેવા નાના કારખાનાઓમાં પાણી ભરાવાથી વ્યાપક નુકસાની થઈ છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે આ અંગે GIDCના હોદ્દેદારોને છેલ્લા 4-5 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં કોઈ જ કાયમી નિવારણ લાવવામાં આવતું નથી.પાયાની સુવિધાઓનો અભાવસ્થાનિક કારખાનેદારોના જણાવ્યા મુજબ, GIDC તંત્ર દ્વારા ટેક્સ અને બિલ નિયમિત લેવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું છે. કચરા અને ગટરની સફાઈ માટે જેસીબી મોકલવામાં આવે તો પણ તે કાદવમાં ખૂંપી જાય છે. આ વિસ્તારમાં કાયમી ધોરણે હિટાચી મશીન મુકીને ઊંડી ગટર સફાઈ કરવામાં આવે તો જ આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે.પ્રમુખને અનેક રજૂઆતો કરી પણ કોઈ પરિણામ ન મળ્યુંસંજયભાઈ પટેલના જણાવ્યા અનુસાર, રેલવે ફાટક પાસે આવેલા નાલા સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેને કારણે પાણીનો નિકાલ થતો નથી. આ ઉપરાંત મેઈન હાઈવેની ગટરનું પાણી પણ જીઆઈડીસીમાં જ પ્રવેશે છે અને અંદરની શેરીઓમાંથી જતું નથી. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે છેલ્લી 3 શેરીઓના અનેક કારખાનાઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદ બંધ થયાના 3 થી 4 કલાક પછી જ પાણી માંડ ઓસરે છે. સંજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાણી ભરાવાને કારણે દરેક કારખાનામાં અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને આ આંકડો વધી પણ શકે છે. જીઆઈડીસી એસોસિએશન અને પ્રમુખને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જીઆઈડીસીમાં કુલ 282 પ્લોટ આવેલા છે અને ઉદ્યોગકારો છેલ્લા 12 વર્ષથી સરકારને નિયમિત રોયલ્ટી અને ટેક્સ ભરે છે, તેમ છતાં જીઆઈડીસી દ્વારા ગટર સફાઈની કે યોગ્ય નિકાલની કોઈ જ કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી.કમિટી રદ કરવાની ઉદ્યોગકારોની ચીમકીશૈલેષભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સરકારે ગટર બનાવી આપી છે પરંતુ તેનો નિકાલ લોકો દ્વારા જ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. આ અંગે જીઆઈડીસીના પ્રમુખ કે ઉપપ્રમુખને રજૂઆત કરવામાં આવે છે છતાં જો તેઓનું કોઈ સાંભળતા ન હોય તો આવી કમિટીની કોઈ જરૂર નથી અને તેને રદ કરી દેવી જોઈએ.#Morbi #MorbiUpdate #RafaleshwarGIDC #MorbiRain #GIDC #Monsoon2026 #MorbiNews #GujaratRain