ભયંકર પ્રદૂષણથી જળચર સહિતની જીવસૃષ્ટિના અસ્તિત્વ પર ખતરો, નદીમાં ફીણના પહાડો સર્જાયામોરબી: મોરબીની ભાગોળે આવેલ મચ્છુ 3 ડેમમાં પ્રદૂષણની અત્યંત ગંભીર અને ચિંતાજનક સમસ્યા સામે આવી છે. મચ્છુ 3 ડેમનું પાણી કેમિકલયુક્ત ફીણના ફુગ્ગાઓથી છલોછલ થઈ ગયું છે. કુદરતી વહેણમાં બેફામ રીતે ઠાલવવામાં આવી રહેલા રાસાયણિક પ્રદૂષણને કારણે નદીના પાણીમાં બરફના પહાડો હોય તેવા ફીણના મોટા થરો જમા થઈ ગયા છે અને આ ફીણ હવામાં ઊડતા હોવાના બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.આ ભયંકર પ્રદૂષણને કારણે જળસૃષ્ટિથી લઈને આસપાસની તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વ પર મોટો ખતરો ઊભો થયો છે. ઝેરી કેમિકલના કારણે પાણીમાં રહેલા જીવો, આસપાસના પશુ-પક્ષીઓ અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. પ્રકૃતિ અને કુદરતી જળસ્ત્રોતો પર થઈ રહેલા આ સીધા પ્રહારથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આટલી મોટી માત્રામાં કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે અને તેમની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. બેફામ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે જીપીસીબી દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી છે.#Morbi #Machchhu3 #WaterPollution #GPCB #Environment #MorbiUpdate #MorbiNews #GujaratPollution