સવારે 40 % ભરાયો હતો, વાંકાનેર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા સાંજે 54% ભરાઈ ગયો : હાલ 41 હજાર ક્યુસેક પાણીની તોતિંગ આવકમોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં નવા નીરની ભારે આવક શરૂ થઈ છે. ખાસ કરીને વાંકાનેર પંથકમાં બપોરે 2 વાગ્યા પછી પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. મળેલી માહિતી મુજબ, હાલમાં મચ્છુ-2 ડેમમાં 41000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેને પગલે ડેમની જળસપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.ડેમના જળસંચયની વિગતવાર વાત કરીએ તો, આજે સવારે ડેમમાં 1256 MCFT પાણીનો જથ્થો હતો અને ડેમ 40% જેટલો ભરાયેલો હતો. પરંતુ બપોર બાદ શરૂ થયેલી પાણીની સતત આવકના પગલે સાંજ સુધીમાં પાણીનો જથ્થો વધીને 1675 MCFT પર પહોંચી ગયો છે. આમ, ગણતરીના કલાકોમાં જ ડેમ 54% જેટલો ભરાઈ ચૂક્યો છે. મીટર અને ફૂટની દ્રષ્ટિએ જોઈએ તો હાલમાં ડેમની સપાટી 7.52 મીટર એટલે કે આશરે 24.5 ફૂટ સુધી પહોંચી ગઈ છે.નોંધનીય છે કે, મચ્છુ-2 ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 3104 MCFT અને ઊંચાઈ 33 ફૂટ છે. ઉપરવાસમાં સાંજના સમયે વરસાદ બંધ થઈ ગયો હોવાના અહેવાલ છે, પરંતુ જો આ જ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો આવતીકાલે બપોર સુધીમાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. મચ્છુ-2 ડેમમાં આવેલી આ શાનદાર જળરાશિથી સ્થાનિક લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.#MorbiUpdate #Machhu2Dam #MorbiNews #RainUpdate #Monsoon #GujaratRain #Wankaner #WaterLevel #Morbi