કોર્પોરેશનની કામગીરીથી અસંતોષ હોવાના લીધે તેઓએ પદ ત્યાગ કરવા લખ્યું રાજીનામુ : જિલ્લા ભાજપ પ્રમુખે સમજાવટથી મામલો થાળે પાડ્યોમોરબી : મોરબી મહાપાલિકા આવ્યા બાદ પણ શહેરના પાયાના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે. તેવામાં કોર્પોરેશનની નબળી કામગીરીથી નારાજ વોર્ડ નં.2ના કોર્પોરેટર સીતાબેન હૂંબલ આજે ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજીનામુ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે બાદમાં જિલ્લા ભાજપ પ્રમુખની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સીતાબેન હુંબલ પોતાના વિસ્તારમાં રસ્તાના કામ ન થતા નારાજગી વ્યક્ત કરવા અને રાજીનામું આપવા માટે કમલમ ખાતે આવ્યા હતા. આ મામલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું કે મહાનગરપાલિકામાં હાલ સાધનો અને માણસોની ઘટ છે. કોર્પોરેટરના વિસ્તારમાં 2 દિવસ પહેલા મોરમ નાખવામાં આવી હતી પરંતુ તેને પાથરી શકાઈ ન હતી. વરસાદની ઋતુમાં રસ્તા પર ચાલવાની મુશ્કેલીને કારણે કોર્પોરેટરની ઉગ્રતા વ્યાજબી હતી.જયંતિ રાજકોટિયાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેટર સાથે વાતચીત કરીને તેમને સમજાવવામાં આવ્યા છે. હાલ પૂરતું રસ્તાઓ પર મેટલ અને મોરમ પાથરીને તેને ચાલવા યોગ્ય બનાવવાની કડક સૂચના તંત્રને આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે નારાજ થઈને રાજીનામું આપવું એ કોઈ ઉકેલ નથી. પક્ષે સારા માણસોને ટિકિટ આપી છે, અને કામગીરી પૂરી કરવા માટે થોડી ધીરજ અને સમયની જરૂર હોય છે.આગામી આયોજન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી 4 મહિના પછી, એટલે કે દિવાળી બાદ મોરબીના તમામ રસ્તાઓ અને લાઈટોના કામ પૂર્ણ કરવામાં આવશે. લાઈટો માટે નવો ઓર્ડર પણ આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ સમગ્ર વિષય મહાનગરપાલિકાનો હોવાથી મેયર અને ડેપ્યુટી મેયર સાથે પણ બેઠક કરીને ચર્ચા કરવામાં આવી છે અને સામાન્ય લોકોના પ્રશ્નો સત્વરે હલ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiNagarPalika #GujaratNews #JayantiRajkotiya #MorbiBJP