સમર્પણ અને શિવમ હોસ્પિટલ પાસે વાહનો ખાડામાં ખાબક્યા: આમ આદમી પાર્ટી દ્વારા તંત્રની નબળી કામગીરી સામે ઉઠાવ્યા સવાલોમોરબી: શહેરમાં માળિયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડી સુધીના રોડ પર તાજેતરમાં થયેલા ભૂગર્ભ ગટરના કામમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ગટરની લાઈનો નાખવાનું કામ પૂરું થયા બાદ, આજે બુરાણ કરેલ જગ્યા બેસી જવાની ગંભીર ઘટના બની છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી જવાથી અત્યાર સુધીમાં 15 જેટલા વાહનો ફસાઈ ગયા છે.સ્થિતિ એટલી ગંભીર છે કે સમર્પણ હોસ્પિટલ પાસે 2 વાહનો અને શિવમ હોસ્પિટલ આગળ 1 તોતિંગ ખટારો તેમજ 1 ફોર-વ્હીલર રસ્તો બેસી જવાના કારણે ખાડામાં ખાબક્યા છે. હોસ્પિટલ જેવા ઈમરજન્સી અને સંવેદનશીલ વિસ્તારોની બહાર જ આ ઘટના બનતા એમ્બ્યુલન્સ અને દર્દીઓની અવરજવર માટે મોટો ખતરો ઉભો થયો છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. આ ગંભીર મામલે આમ આદમી પાર્ટી દ્વારા તંત્રની નબળી કામગીરી સામે રોષ ઠાલવીને લોકોની મુશ્કેલીને વાચા આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મકવાણા સચિન, નરેન્દ્રભાઈ બાવરવા અને મહેશભાઈ પરમાર દ્વારા આ સમગ્ર ઘટના અંગે તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલાં આ જીવલેણ ખાડાઓનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #RoadCollapse #AAPGujarat #PublicSafety #MorbiTraffic #MorbiAdministration