હાંસલપુર ચોકડી નજીક રોડ ઉપર પાણી ભરાવાને કારણે મોરબી-અમદાવાદ વચ્ચે વાહન વ્યવહારને અસર : એસટી બસો અટવાઈ ગઈ, ખાનગી બસોએ અમદાવાદ પહોંચવા ચોટીલા વાળો રૂટ પકડ્યોમોરબી : અવિરત વરસાદના કારણે હાઇવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદ તરફ જતા રૂટ પર વિરમગામ નજીક હાંસલપુર ચોકડી પાસે રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ભારે ખોરવાયો છે. જેના પગલે મોરબી- અમદાવાદ રૂટનો વાહન વ્યવહાર ખોરવાયો છે. આ ઉપરાંત રેલવે લાઈન પર પાણી ફરી વળતા રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.આ અંગે માહિતી આપતા મોરબી ડેપો મેનેજર પ્રવિણસિંહ કૂંપાવતે જણાવ્યું હતું કે, હાંસલપુર ચોકડી પાસે ચારેબાજુ પાણી આવી ગયું છે અને પુષ્કળ ટ્રાફિક જામ સર્જાયો છે. મુસાફરોને બસમાં કોઈ હાલાકી ન પડે અને તેઓ હેરાન ન થાય તે હેતુથી, મોરબીથી અમદાવાદ તરફ જતી બસોને હાંસલપુર ચોકડી પાસે આવેલી સીતારામ કેસર હોટલ ખાતે જ સુરક્ષિત રીતે રોકી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદથી મોરબી પરત ફરતી બસોને સાણંદ કંટ્રોલ પોઇન્ટ ખાતે જ રોકી દેવામાં આવી છે. વચ્ચેના પાણીવાળા રસ્તાઓ પર ટ્રાફિક જામ હોવાથી રસ્તો ક્લિયર ન થાય ત્યાં સુધી બસોને સલામત સ્થળે જ ઊભી રખાઈ છે.મળતી વિગતો મુજબ, મોરબી ડેપોની અંબાજી, કવાંટ, ઉદયપુર અને દાહોદ રૂટની 4 બસો તથા વાંકાનેર ડેપોની 8 થી 10 બસો મળીને એક તરફની અંદાજે 12 થી 15 બસો પ્રભાવિત થઈ છે. આવવા અને જવાની બંને તરફની (અપ-ડાઉન) ગણતરી કરીએ તો મોરબી જિલ્લાની કુલ 25 જેટલી એસટી બસો હાલ અટવાયેલી છે. ડેપો મેનેજર પ્રવિણસિંહ કૂંપાવતે સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિમાં કોઈ જાનહાનિ કે હતાહતની કોઈ જ ઘટના બની નથી. માત્ર ભારે વરસાદ અને ટ્રાફિક જામના કારણે મુસાફરોની સલામતી કાજે રૂટ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે.બીજી તરફ રેલવેએ પણ જાહેર કર્યું છે કે અમદાવાદ-વિરમગામ રેલખંડ પર ચરોડી અને વિરમગામ વચ્ચે પાણી ભરાવાને કારણે રેલ સેવાઓ પ્રભાવિત થઈ છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે 24 જુલાઈ 2026ના રોજ પોતાના નિર્ધારિત સમયે યાત્રા શરૂ કરવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026ના રોજ પોતાના નિર્ધારિત સમયે યાત્રા શરૂ કરવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ, જે 24 જુલાઈ 2026ના રોજ પોતાના નિર્ધારિત સમયે યાત્રા શરૂ કરવાની હતી, તેને ગાંધીગ્રામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન ગાંધીગ્રામ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. #MorbiUpdate #Morbi #Wankaner #GSRTC #STBus #HeavyRain #GujaratRain #TrafficJam #Viramgam #Hansalpur #AhmedabadHighway #Monsoon2026