11 મહિનાની મુદતમાંથી 9 મહિના પૂરા થઈ ગયા છતાં કામ શરૂ ન થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપમોરબી : ધરમપુર ગામે તંત્ર દ્વારા જૂનો પુલ તોડીને નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 2025 માં આ પુલના નિર્માણ માટે 11 મહિનાની સમયમર્યાદા સાથે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જોકે, 9 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પુલનું કામ પૂરું થયું નથી અને માત્ર 2 થી 3 મહિના બાકી હોવા છતાં કામગીરી અધૂરી લટકતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર પુલના નિર્માણ દરમિયાન વાહનવ્યવહાર અને અવરજવર માટે નીચે એક નાનો કોઝવે બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય ગુણવત્તા વગર બનેલો આ રસ્તો 50% જેટલો તૂટી ગયો છે અને તેના પર ભારે પાણી ફરી વળ્યા છે. આ કોઝવેની સામેના કાંઠે ધરમપુર ગામનું સ્મશાન આવેલું છે. હાલ ગામમાં કોઈનું મૃત્યુ થાય તો સ્મશાને જવા માટે પણ કોઈ રસ્તો બચ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ રસ્તો માત્ર ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ નટરાજ ફાટક, ઉમા ટાઉન અને પીપળી રોડ પર આવેલા સંખ્યાબંધ સિરામિક કારખાનાઓને પણ જોડે છે. દરરોજ અહીંથી મોટી સંખ્યામાં વાહનો અને શ્રમિકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ હાલ આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જતાં ઉદ્યોગકારો અને વાહનચાલકો અટવાયા છે.ગ્રામજનોએ જણાવ્યું છે કે અગાઉ 2 વખત આ બાબતે અરજીઓ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજની કામગીરીમાં લોલમલોલ ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ કોઝવે અને બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #Dharampur #BridgeConstruction #MorbiNews #GujaratNews #PublicIssue