મોરબી : મોરબીમાં અતિ દુર્લભ એવું ચાતક પક્ષી દેખાયું છે. આ પક્ષી માત્રને માત્ર વરસાદનું પાણી જ પીવાની અનોખી ખાસિયત ધરાવે છે. તાજેતરમાં આ દુર્લભ પક્ષી મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી એલ.ઈ. કોલેજ પાસે, અજ્ઞેશ્વર મંદિર નજીક પર્યાવરણ મિત્ર જીતુભાઇ ઠક્કરને જોવા મળ્યું હતું. તેઓએ આ પક્ષીને કેમેરામાં કેદ કરી તેની ખાસિયતોની માહિતી પણ જાહેર કરી છે. કાળા અને સફેદ રંગનું મિશ્રણ ધરાવતું શરીર, પાંખોમાં સફેદ ધાબા, લાંબી કાળી પૂંછડીનો સફેદ છેડો અને માથે કલગી જેવા વાળ એ ચાતક પક્ષીની મુખ્ય ઓળખ છે. લાંબી પાંખને કારણે નાના બાંધાનું આ પંખી સરેરાશ 12 ઇંચ જેટલી લંબાઈ ધરાવે છે. સામાન્ય રીતે ગુજરાતમાં વર્ષાઋતુના પ્રારંભે આફ્રિકા અને ભારતના અન્ય ભાગોમાંથી આવી ચડતું આ પક્ષી છેલ્લા થોડા વર્ષોથી ભાગ્યે જ જોવા મળે છે.ચાતક પક્ષીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર આકાશમાંથી પડતા વરસાદના ટીપાં જ સીધા ઊંચી ચાંચ કરીને ઝીલીને પીવે છે. આ પક્ષી ક્યારેય નદી, તળાવ કે અન્ય કોઈ પણ જગ્યાએથી પાણી પીતું જ નથી. પોતાની તરસ છીપાવવા તે ચોમાસાના પ્રથમ વરસાદની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ જ કારણે આપણે ત્યાં 'ચાતક નજરે રાહ જોવી' એવી કહેવત પણ પ્રચલિત છે. કોકિલ કુળનું આ પંખી 'પિહુ પિહુ' અવાજ કરે છે, જેને 'પપીહા' અને ગુજરાતમાં 'મોતીડો' તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પક્ષી પોતાના બચ્ચાને પોષવા કે ઉછેરવા માટે ક્યારેય પોતાનો માળો બનાવતું નથી. ઈંડા મૂકવા માટે તે લેલા, દરજીડા કે ફૂત્કી પક્ષીઓના માળા પસંદ કરે છે. બચ્ચાના ઉછેર માટે બીજા પક્ષીઓ પર આધાર રાખતા હોવાથી આવા પંખીઓને 'પરભ્રુત' કક્ષાના પંખી કહેવાય છે.#Morbi #MorbiUpdate #ChatakBird #RareBird #Monsoon #Papiha #Nature #MorbiNews #Gujarat