વર્ષ 2022માં તમામ શેરીઓના રોડનું ખાતમુહૂર્ત થયા પછી પણ 4 વર્ષથી સ્થિતિ ન બદલાઈ : ખરાબ રસ્તાને કારણે ધંધા-રોજગારને અસર થતા વેપારીઓમાં ભારે રોષ મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલત અને ગારા-કીચડના કારણે વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વર્ષ 2022માં લાતીપ્લોટની તમામ શેરીઓમાં રોડ મંજૂર કરીને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, 4 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પરિસ્થિતિ બદલાઈ નથી. ચોમાસું આવતા જ આખો વિસ્તાર ગારા-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ જાય છે. આ સમસ્યાને લઈ વેપારીઓ આજે મહાપાલિકા કચેરીએ દોડી ગયા હતા અને તેઓએ ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર લાઇનના અણધણ કામથી ઠેર-ઠેર ખાડા અને ભુવાછેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકા દ્વારા લાતીપ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે હજુ સુધી અધૂરી છે. લાઇન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય રીતે બૂરાણ કરીને જમીન સમથળ કરવાની હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવતા ચોમાસામાં ઠેર-ઠેર ભુવા પડી ગયા છે. ખાસ કરીને લાતીપ્લોટની આડી શેરી નંબર 1માં લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન કરાતા આખો માણસ ગરકાવ થઈ જાય તેવા ભયાનક ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો ખાડામાં ખાબકવાના અને અકસ્માત સર્જાવાના બનાવો બની રહ્યા છે.બાઇક લઈને નીકળવું પણ મુશ્કેલ: ધંધા-રોજગાર ઠપ થવાના આરેલાતીપ્લોટમાં મોટા ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટેશનના કામકાજ ચાલતા હોવાથી મોટા વાહનોની સતત અવરજવર હોય છે. પરંતુ હાલમાં સ્થિતિ એટલી ખરાબ છે કે શેરીઓમાંથી બાઇક લઈને નીકળવું પણ અશક્ય બની ગયું છે. અમુક શેરીઓમાં માત્ર મેટલ (કાંકરી) નાખી દેવામાં આવી છે પરંતુ તેની પર બારીક રજકણ કે માટી ન નંખાતા વાહનોના ટાયર ખૂંપી જાય છે અને લપસી પડે છે.વેપારીઓની ડેપ્યુટી કમિશનરને રજુઆતલાતી પ્લોટની તમામ શેરીઓમાં સમસ્યાઓનો ગંજ ખડકાતા આજે રોષે ભરાયેલા વેપારીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'અમને સારા રોડ ન આપો તો કાઈ નહીં, પણ માત્ર બાઇક અને નાના વાહનો નીકળી શકે તેટલો રસ્તો તો સરખો કરી આપો.'રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશનરે ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ટીમ મોકલવાની ખાતરી આપી હતી. પરંતુ વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે મહાનગરપાલિકાની ટીમ માત્ર આવીને જોઈને જતી રહે છે, કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાતા નથી અને કામગીરી જેવી તેવી કરવામાં આવે છે. #Morbi #MorbiUpdate #MorbiNews #LatiPlot #MorbiRoads #MorbiMunicipalCorporation #MorbiRain #MorbiTraders #GujaratNews