માત્ર વરસાદી ઝાપટામાં હાઈવેની પથારી ફરી ગઈ : લોકોમાં ભારે રોષ, તાત્કાલિક કાર્યવાહીની માંગટંકારા : ચોમાસાની શરૂઆતમાં જ માત્ર 'પાંચ છાંટા' પડતાની સાથે જ રાજકોટ-મોરબી રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ટંકારાથી મોરબી તરફના માર્ગ પર ગણી ન શકાય તેટલા ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્યમંત્રી, કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યોની કડક સૂચનાઓ હોવા છતાં, રોડ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને તમામ આદેશોનું 'સુરસુરિયું' થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.કલેક્ટર તંત્રની ઉદાસીનતા અને અધિકારીઓને 'થાબડભાણા'રાજકોટ માર્ગ અને મકાન (R&B) વિભાગ વિરુદ્ધ આ નબળી કામગીરી અંગે ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી હોવા છતાં, કલેક્ટર તંત્ર દ્વારા આ અરજીને દબાવી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. તમામ બાજુથી રોડ વિભાગના અધિકારીઓને 'થાબડભાણા' કરીને બચાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓ પોતાની આલિશાન ઓફિસોમાં બેઠા છે, જ્યારે સામાન્ય પ્રજા ખાડાઓમાં હેરાન-પરેશાન થઈ રહી છે.'હેલ્મેટ ક્યાં, સીટ બેલ્ટ ક્યાં... પણ એલા ભાઈ ડામર ક્યાં?': પોલીસ તંત્ર સામે સવાલસૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે પોલીસ વિભાગ 'રોડ સેફ્ટી'ના નામે વાહનચાલકોને મેમો આપીને દંડ વસૂલે છે, પરંતુ તેમને રોડની ખરાબ હાલત અને તેનાથી થતા અકસ્માતો કે સેફ્ટી વિશે વિચાર આવતો નથી. વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે 'હેલ્મેટ ક્યાં, સીટ બેલ્ટ ક્યાં... પણ એલા ભાઈ ડામર ક્યાં?' તેવો સવાલ પોલીસને પૂછવાની હિંમત કોણ બતાવશે?દાયકાથી દેકારો પણ પરિણામ શૂન્ય: કડક કાર્યવાહીની માંગમુખ્યમંત્રીના 'સ્વાગત' કાર્યક્રમની રજૂઆતોને પણ અવગણીને રોડ તંત્ર પ્રજા માટે મુસીબતનું કારણ બન્યું છે. છેલ્લા 10 વર્ષથી દેકારો હોવા છતાં કોઈ નક્કર કામ થયું નથી. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની માંગ છે કે રોડ સેફ્ટીના નામે દંડ ઉઘરાવતા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાય અને નબળું કામ કરનાર રોડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું વહીવટી તંત્ર આ અધિકારીઓ સામે કોઈ પગલાં લેશે કે પછી જનતા આમ જ ખાડાઓમાં રિબાતી રહેશે.#Morbi #RajkotMorbiHighway #RoadSafety #Monsoon2026 #PublicProtest #MorbiNews #GujaratRoads