માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ દુકાનોમાં પાણી ઘૂસ્યા, ગટર લાઈનનો કરોડોનો ખર્ચ પાણીમાં, 15થી 20 વર્ષ જૂના આ પ્રશ્ને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી પણ કોઈ પરિણામ ન મળ્યું : વેપારીઓમાં ભારે રોષમોરબી: મોરબીમાં ગાંધી ચોકથી સામાંકાઠે જવાના એકમાત્ર માર્ગ તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા. વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે કંટાળેલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને અને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો છેવેપારીઓની વ્યથા: 15 થી 20 વર્ષ જૂની સમસ્યા, તંત્ર સદંતર નિષ્ફળસ્થાનિક વેપારીઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ સમસ્યા છેલ્લા 15 થી 20 વર્ષથી યથાવત છે. ગયા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવી ગટર લાઇન અને ભૂંગળા નાખવામાં આવ્યા હતા, પરંતુ પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ સુધરવાના બદલે બગડી છે. દુકાનોમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે માલસામાન બગડે છે અને ચોમાસાના 4 મહિના સુધી વેપારીઓને નવરા બેસી રહેવાનો વારો આવે છે. ગાંધી ચોકથી સામા કાંઠે જવા માટેનો આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી અહીં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે દ્વિચક્રી વાહનચાલકો પડી રહ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મુખ્યમંત્રીથી લઈને સ્થાનિક ધારાસભ્ય સુધી રજૂઆતો, છતાં પરિણામ શૂન્યઆક્રોશિત વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓએ કલેક્ટર, કમિશનર અને છેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિક ધારાસભ્ય કાનાભાઈ પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા ન હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો હતો. મોરબી હવે મહાનગરપાલિકા બની ગયું છે છતાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો સામાન્ય વરસાદમાં આ હાલત છે, તો જૂનાગઢની જેમ અહીં 5 કે 10 ઇંચ વરસાદ ખાબકે તો આ રોડ અને દુકાનોની શું દશા થાય તે વિચારવું જ ડરામણું છે.#MorbiUpdate #MorbiNews #Morbi #TakhtsinhjiRoad #Waterlogging #Monsoon #GujaratNews #LocalNews #CivicIssues