હાલ અહીં સ્ટ્રોમ વોટરનું કામ ચાલુ, રોડનું લેવલ એવી રીતે કરાયું છે કે પાણી રોડના સેન્ટરમાં આવી જાય, ત્યાંથી આ પાણીનો નિકાલ રવાપર તળાવમાં કરાશે : અધિકારીમોરબી : મોરબીના હાર્દ સમાન અને પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર તાજેતરમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ એક સાઈડ બનેલા આ નવા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, રવાપર રોડ પર એક બાજુનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોડ બનાવતી વખતે લેવલિંગનું બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યું નથી. રોડ લેવલ વગરનો બનતા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ રસ્તો બચ્યો નથી. પરિણામે થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે. રવાપર રોડ પર સતત ટ્રાફિક રહેતો હોય છે. નવા બનેલા રોડ પર જ પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુના સ્થાનિકો રોડ પર ભરાયેલા પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ રોડ અને સ્ટ્રોમ વોટરની ચાલી રહેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં અહીં સ્ટ્રોમ વોટરનું કામ પ્રગતિમાં છે અને તે હજુ પૂર્ણ થયું નથી. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટ્રોમ વોટરના યોગ્ય નિકાલ માટે રોડની બંને બાજુથી લેવલ એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે જેથી પાણી સીધું રોડના સેન્ટરમાં આવી જાય. ત્યાંથી આ એકત્ર થયેલા પાણીનો નિકાલ રવાપર તળાવમાં કરવામાં આવશે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ આયોજન મુજબ અહીં સ્ટ્રોમ વોટરની લાઈન નાખવામાં આવી છે અને તેનું કામ પણ હજુ ચાલુ છે. હાલમાં રોડની માત્ર એક બાજુની જ કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બીજી બાજુનો રોડ બનવાનો હજુ બાકી છે.#MorbiUpdate #MorbiNews #Morbi #RoadAndBuildingDepartment #StormWaterWork #Ravapar #MorbiDevelopment #GujaratNews