ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ, આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું પ્રદર્શન : પોલીસે કરી અટકાયતમોરબી : નિટ પેપર લિકને લઈ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે તેવી માંગ સાથે દિલ્હીના જંતર-મંતરમાં કોક્રોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. જેના સમર્થનમાં મોરબીમાં નગરદરવાજે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે થોડી જ વારમાં પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી. પેપર લીકની ઘટનાઓ અને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં જરૂરી બદલાવ લાવવાની માંગ સાથે આજે મોરબીના નગરદરવાજા ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો એકઠા થઈને વિરોધમાં જોડાયા હતા. સૌપ્રથમ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને પેપર લીકના વિરોધમાં એકઠા થયા હતા. વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરતા જ પોલીસે સ્થળ પર પહોંચી તેમની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓની અટકાયત બાદ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. આમ, કોંગ્રેસ અને આપ બંને પક્ષોએ ભેગા મળીને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.નગરદરવાજા ચોક ખાતે કોંગ્રેસ અને આપના સંયુક્ત વિરોધ પ્રદર્શનને પગલે વાતાવરણ ગરમાયું હતું. પોલીસે તુરંત જ વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને આપના તમામ કાર્યકરો તેમજ નેતાઓની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામ લોકોને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #PaperLeak #Protest #GujaratNews #Congress #AAP